કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડર 60 રૂપિયા મોંઘો કર્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે દિલ્હીમાં 14.2 કિલોગ્રામનો LPG ગેસ હવે 913 રૂપિયામાં મળશે. પહેલા તે 853 રૂપિયાનો હતો. જ્યારે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરમાં 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે હવે 1883 રૂપિયામાં મળશે. વધેલી કિંમતો 7 માર્ચથી લાગુ પડશે.
સરકારે ગેસના ભાવમાં વધારો એવા સમયે કર્યો છે જ્યારે અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન યુદ્ધને કારણે દેશમાં ગેસની અછતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને જોતા સરકારે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને દેશની તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને એલપીજી ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે.
મિડલ ઇસ્ટમાં વધતા તણાવથી ગેસનો પુરવઠો પ્રભાવિત થઈ શકે છે. આ જ ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે આ આદેશ જારી કર્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે હવે રિફાઇનરીઓ પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ ફક્ત રાંધણ ગેસ બનાવવા માટે કરશે.