શહેરના ટાગોર રોડ પરની સોસાયટીમાં રહેતા 85 વર્ષના વૃદ્ધાના ઘરમાં ઘૂસી બે મહિલાએ વૃદ્ધાએ પહેરેલી રૂ.1.42 લાખની સોનાના પારાની માળા લૂંટી લીધી હતી. પોલીસે આરોપી બંને મહિલા સાસુ-વહુને ઝડપી લઇ લૂંટાયેલી માળા કબજે કરી હતી.
ટાગોર રોડ પરની રેવન્યુ સોસાયટીમાં રહેતા ભાનુબેન ત્રિભુવનદાસ હરિયાણી (ઉ.વ.85) શનિવારે સવારે પોતાના ઘરે હતા ત્યારે બે મહિલા વાળ ખરીદવાના બહાને આવી હતી. ભાનુબેને વાળ નહીં હોવાનું કહેતા બંનેએ પીવા માટે પાણી માગ્યું હતું અને વૃદ્ધા પાણી લેવા ઘરમાં ગયા તે સાથે જ બંનેએ ઘરમાં ઘૂસી એક મહિલાએ ભાનુબેનને પકડી રાખ્યા હતા અને બીજીએ વૃદ્ધાની ડોક પર ઝોંટ મારી રૂ.1.42 લાખની કિંમતની સોનાના પારાની માળા લૂંટી લઇ બંને ભાગી હતી. વૃદ્ધાએ દેકારો કરતાં પાડોશીઓએ મનહરપુરની સરોજ ઉર્ફે સવિતા રમેશ સોલંકી (ઉ.વ.59)ને ઝડપી લઇ પોલીસ હવાલે કરી હતી. એ.ડિવિઝનના એએસઆઇ લુવા સહિતની ટીમે પૂછપરછ કરતાં સરોજે લૂંટમાં તેની સાથે હતી તે મહિલા તેની પુત્રવધૂ સોનલ વિજય સોલંકી (ઉ.વ.33) હોવાનું અને તે સોનાની માળા લઇ ગયાનું કબૂલ્યું હતું. પોલીસે રવિવારે સોનલને ઝડપી લઇ તેની પાસેથી લૂંટાયેલી માળા કબજે કરી હતી.