રાજકોટ શહેરમાં ઠેર-ઠેર ડીઆઇ પાઇપલાઇનના કામો ચાલી રહ્યા છે ત્યારે નવા 150 ફૂટ રિંગ રોડ પર ગ્રીન લીફ પાછળ પાણીની પાઇપલાઇન તૂટતા ચાર સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી પાણી વિતરણ ખોરવાયું છે. એકવખત પાઇપલાઇન રિપેર કર્યા બાદ લીકેજ ચાલુ રહેતા ફરી રિપેરિંગ હાથ ધરાયું છે અને શનિવારથી રાબેતા મુજબ પાણી વિતરણ ચાલુ થઇ જશે તેમ સિટી એન્જિનિયરે જણાવ્યું હતું.
વેસ્ટ ઝોનના બાંધકામ વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર નવા 150 ફૂટ રિંગરોડ અને જામનગર રોડ પર નવા ભળેલા વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇન તૂટતા ચાર સોસાયટીમાં 3 દિવસથી પાણી વિતરણ ખોરવાયું છે. ડીઆઇ પાઇપલાઇન તૂટતા બુધવારે રિપેર કરી તાબડતોબ પાણી વિતરણ શરૂ કરાયું હતું પરંતુ ત્યારબાદ એ જ જગ્યા ફરી લિકેજની સમસ્યા થતા પાણી વિતરણ બંધ કરાયું છે અને હાલમાં રિપેરિંગની કામગીરી ચાલી રહી છે.
ડીઆઇ પાઇપલાઇન તૂટતા વર્ધમાનનગર, રેસકોર્સ બંગલો, મારૂતિનંદન, અંજલી પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાતા અને 3-3 દિવસ સુધી પાણી નહીં આવતા ભારે દેકારો બોલી ગયો છે. જો કે શનિવારથી પાણી વિતરણ રાબેતા મુજબ શરૂ થઇ જશે તેમ સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.