શહેરમાં કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ચારેક દિવસ પહેલા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા રાજસ્થાની યુવકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. તા.10ના રોજ બસ સ્ટેશન પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા બાદ રજા લઇને ચાલ્યા ગયા બાદ તા.12ના રોજ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હોય અને શરીરે ઇજાના નિશાન હોય પોલીસે યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી સીસીટીવીના આધારે તપાસ કરતા યુવક નશાની હાલતમાં હોય અને પડી જતો હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
તા.12ના રોજ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુવકને 108ની ટીમે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવક થોડો ભાનમાં હોય પોતાનું નામ કાનારામ મંગારામ (ઉ.35) હોવાનું અને મૂળ રાજસ્થાની હોવાનું અને તેની સાથે મારકૂટ થયાનું રટણ કર્યું હોય અને તેના શરીરે ઇજાના નિશાન હોય સિવિલમાં નોંધ કરાઇ હતી. બાદમાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ રાણે સહિતના સ્ટાફે મૃતક યુવાનનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં રાજસ્થાની યુવક તા.10ના રોજ બસ સ્ટેશનમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો ત્યારે તેને માથાના ભાગે ઇજા થઇ હતી. બાદમાં સારવાર દરમિયાન વોર્ડમાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ તા.12મીના રોજ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને સારવારમાં ખસેડાયો હતો અને તેને તબીબને માથાકૂટ થયાનું જણાવતા પોલીસે રાજસ્થાની યુવકને કોની સાથે માથાકૂટ થઇ હતી ? સહિતની તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં યુવક નશાની હાલતમાં હોય અને પડી ગયાનું સીસીટીવીમાં ખૂલતા ફોરેન્સિક રિપોર્ટ સહિતની કાર્યવાહી કરી છે.