રાજકોટની ચાર દાયકા જૂની ગ્રાન્ટેડ એમ.ટી. ધમસાણિયા કોલેજ બંધ કરવા અને સદ્ગુરૂ મહિલા કોલેજમાં પણ હોમ સાયન્સનો કોર્સ બંધ કરવા માટે આ બન્ને સંસ્થાઓના ટ્રસ્ટી મંડળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ ઉચ્ચ શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરાતા બન્ને સંસ્થામાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની રાહતદરની ફીમાં અભ્યાસની સુવિધા છીનવાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે સંસ્થાના આ નિર્ણય સામે સદ્ગુરુ મહિલા હોમ સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓ અને અધ્યાપકોએ મંગળવારે આ સંસ્થામાં હોમ સાયન્સનો અભ્યાસક્રમ બંધ કરવા સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સંસ્થામાં હોમ સાયન્સનો અભ્યાસક્રમ ચાલુ રાખવામાં આવે તેવી માગણી સૂત્રોચ્ચાર દ્વારા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓને ધડાધડ મંજૂરી આપવામાં આવી રહી છે અને તેના પરિણામે હાલમાં ખાનગી યુનિવર્સિટીની સંખ્યા સરકારી યુનિવર્સિટી કરતા વધી ગઇ છે. જ્યારે બીજીબાજુ રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં આચાર્યથી લઇને પટાવાળા સુધીની જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાથી શિક્ષણનું સ્તર કથળ્યાની અનેક ફરિયાદો છતાં વિદ્યાર્થીઓના હિતમાં તે ભરવાનો કોઇ નિર્ણય ઉચ્ચ શિક્ષણ વિભાગ લેતું નથી.