રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં દિવ્યાંગજનોની અધ્યાપક સહાયક તરીકે ભરતી માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે અને કોમર્સ, સાયન્સ, આર્ટસ, હોમ સાયન્સ, લો, રૂરલ સ્ટડીઝ, પત્રકારત્વ અને શિક્ષણ વિદ્યાશાખામાં જુદા-જુદા વિષયોમાં 216 ખાલી જગ્યા ભરવા માટે જાહેરાત કરાઇ છે અને ભરતી થવા માગતાં દિવ્યાંગ ઉમેદવારોને 8 જુલાઇ સુધીમાં અરજી કરવાની મુદત જાહેર કરવામાં આવી છે.
ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા માટે કોલેજો દ્વારા આપવામાં આવેલી સંમતિના આધારે શિક્ષણ વિભાગના વિવિધ ઠરાવોને ધ્યાનમાં રાખી ફક્ત દિવ્યાંગજનોની અધ્યાપક સહાયક માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા આર્ટસ, કોમર્સ, સાયન્સ, હોમ સાયન્સ, કાયદા, રૂરલ સ્ટડીઝ, પત્રકારત્વ અને શિક્ષણ વિદ્યાશાખાની 216 ખાલી જગ્યા માટે નિયત શૈક્ષણિક લાયકાત તેમજ બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મગાવી છે.
ભરતી થવા માગતાં દિવ્યાંગ ઉમેદવારોએ www.rascheguj.in પર 24 જૂનથી 8 જૂલાઇ વચ્ચે ઓનલાઇન અરજી કરી શકશે. ભરતી પ્રક્રિયા યુજીસી રેગ્યુલેશન એક્ટ 2018, એનસીટીઇ 2014 પ્રમાણેના અને ત્યારબાદ તેમાં થયેલા વખતોવખતના સુધારાઓ તેમજ સરકાર દ્વારા નિયત કરેલા લાયકાતના ધોરણો પ્રમાણે રહેશે. આ ભરતી પ્રક્રિયા માટે લાયકાતના ધોરણો અને શરતોની તમામ વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે.