કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે રામગરબાપુ ગૌશાળામાં ગત તા.11 ડિસેમ્બરના રોજ ગૌવંશને મગફળીનો ખોળ અને લીલોચારો ખાધા બાદ બે દિવસમાં 85 ગૌવંશના ટપોટપ મૃત્યુ થવા મામલે રાજકોટ પશુપાલન વિભાગ, જૂનાગઢ વેટરનરી કોલેજ અને અને ગાંધીનગર પશુપાલન વિભાગની ટીમો તપાસ બાદ એફએસએલનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે જેમાં ગૌમાતાને આપવામાં આવેલ મગફળીના ખોળમાં એફ્લાટોક્સિન એટલે કે, ફૂગના ઝેરની હાજરી જોવા મળતા ગૌવંશને વાસી કોહવાયેલ ખોળ ખોરાકમાં આપવામાં આવતા આ દુર્ઘટના ઘટ્યાનું સ્પષ્ટ બન્યું છે. સાથે જ ગૌશાળામાં ગાયોને ખોરાક આપનાર લોકોની ઘોર બેદરકારી છતી થઇ છે.
કોટડાસાંગાણીના રામોદ નજીક આવેલ સાંઢવાયા ગામની રામગરબાપુ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં દાનમાં મળેલા મગફળીનો ખોળ ખાધા બાદ 36 કલાકમાં જ એકસાથે 85 ગૌવંશના મૃત્યુ થતા ગાંધીનગર સુધી પડઘા પડ્યા હતા. સમગ્ર મામલે રાજકોટ પશુપાલન વિભાગ, જૂનાગઢ વેટરનરી કોલેજ અને ગાંધીનગરની ટીમોની તપાસ બાદ મૃત ગૌવંશના વિસેરા, ખોળ, ઘાસચારો અને પાણીના નમૂના લઈ રાજકોટ એફએસએલ, એનડીડીબી આણંદ અને પુના લેબોરેટરીમાં નમૂના મોકલી આપવામાં આવ્યા બાદ હાલમાં એફએસએલનો પ્રાથમિક રિપોર્ટ આવતા આ રિપોર્ટમાં ગૌવંશના મૃત્યુ માટે મગફળીનો વાસી અને કોહવાયેલ ખોળ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ખોળમાંથી ફંગલ ટોક્સિન એટલે કે, ફૂગનું ઝેર જોવા મળ્યું છે. વૈજ્ઞાનિક ભાષામાં આ ફંગલ ટોક્સિનને એફ્લાટોક્સિન તરીકે ઓળખવામાં આવે છે.જે માનવજાત અને પશુ માટે અત્યંત ઘાતક હોવાનું તજજ્ઞો જણાવે છે.
મગફળીનો વાસી ખોળ ક્યાંથી આવ્યો ? મોટો સવાલ ગૌવંશ માટે વાસી અને કોહવાયેલ ખોળ ક્યાંથી આવ્યો તે એક મોટો સવાલ છે. 33 કરોડ દેવતાઓનો જેમાં વાસ માનવામાં આવે છે તેવી એકસાથે 85 ગૌમાતાનાં મૃત્યુના બનાવ બાદ પણ ગૌશાળાના સંચાલકો ગોંડલની ઓઇલમિલનું નામ છુપાવી રહ્યા છે તે ગંભીર બાબત છે. સાથે જ ગૌશાળામાં ગાયોને ચારો, નીરણ કે ખોળ આપનાર લોકોની પણ બેદરકારી સામે આવી છે. કારણ કે, પહેલી નજરે જ ખોળમાં ફૂગ ચડી ગઈ હોવાનું જોયા છતાં આવો ખોળ ગૌમાતાને કેમ આપવામાં આવ્યો હશે તે બાબત પણ ચિંતાજનક છે.