મોચી બજારમાં ગેરકાયદે કતલખાનું ચલાવનાર ભાજપના કાર્યકર ફારૂક મુસાણી અને તેના સાગરીતો સામે ગુનો નોંધવામાં અને ગુનો નોંધાયા બાદ પણ તેના થાબડભાણાં કરનાર કોઠારિયા નાકા પોલીસ ચોકીના પીએસઆઇ બી.એચ. પરમારની બદલી કરી તેને પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફંગોળી દેવામાં આવ્યા છે અને એ-ડિવિઝનના પીઆઇ બારોટ સામે પણ પગલાં તોળાઇ રહ્યાના નિર્દેશો મળ્યા હતા.
ફારૂક મુસાણી પોતાના કબજાના મકાનમાં ગેરકાયદે કતલખાનું ચલાવતો હતો અને તેમાં ગૌવંશની કતલ કરવામાં આવતી હતી તે અંગેનો ભાંડાફોડ એફએસએલ રિપોર્ટમાં થયો હતો. એફએસએલ રિપોર્ટ આવી ગયા બાદ તાકીદે ફારૂક અને તેના મળતિયા સામે ગુનો નોંધવાને બદલે એ-ડિવિઝનના પીઆઇ બારોટ અને કોઠારિયા નાકા ચોકીના પીએસઆઇ પરમારે ત્રણ ત્રણ દિવસ વિતાવી દીધા હતા અને અંતે ગુનો નોંધવાની ફરજ પડી હતી.
ફારૂક અને તેના બે મળતિયાની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા, પરંતુ અન્ય ગુનેગારની સામે કડકાઇ કરતી પોલીસ ફારૂક સામે હેતુપૂર્વક ઢીલી ઢફ થઇ ગઇ હતી અને રિમાન્ડ પૂરા થતાં ત્રણેયને જેલહવાલે કરી દીધા હતા. ભાજપ કાર્યકર ફારૂકના આ ગોરખધંધાનો રિપોર્ટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પ્રદેશ ભાજપમાં કર્યો હતો. કોઠારિયા નાકા પોલીસ ચોકીના પીએસઆઇ પરમારની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં બદલી કરી નાખી છે અને પીઆઇ બારોટ સામે પણ આગામી દિવસોમાં પગલાં તોળાઇ રહ્યા છે.