ગોપાલ નમકીનમાં આગથી શેરમાં 8%નો કડાકો

રાજકોટની મેટોડા GIDCમાં આવેલા ગોપાલ નમકીનના યુનિટમાં બુધવારે બપોરના સમયે લાગેલી આગ પર રાત્રે કાબૂ મેળવાયો હતો. સદનસીબે આગની દુર્ઘટનામાં જાનહાનિ થઈ નથી. જોકે ભીષણ આગના કારણે ફેક્ટરીમાં પડેલો માલસામાન, મશીનરી બળી જતાં અંદાજે 25 કરોડનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ગોપાલ સ્નેક્સમાં લાગેલી આગની અસર સ્ટોક માર્કેટમાં એના શેરના ભાવ પર પણ જોવા મળી હતી. ગુરુવારે સવારે માર્કેટ ખૂલતાં જ ગોપાલ સ્નેક્સના ભાવમાં 8 ટકાનો કડાકો બોલી ગયો હતો, જોકે બાદમાં ભાવ રિકવર થતો જોવા મળ્યો હતો.

મેટોડા યુનિટમાં આગના કારણે મોટી નુકસાની થઈ હોવાથી આ યુનિટ ફરી શરૂ થતાં 6થી 8 મહિનાનો સમય લાગે એવી શક્યતા છે. એના કારણે અહીં દરરોજનું જે સાડાત્રણ લાખ કિલો ફરસાણનું પ્રોડકશન થતું હતું એ ઠપ થઈ ગયું છે. મેટોડા GIDCની આ આગની ઘટનામાંથી તંત્રએ પણ શીખ લેવાની જરુર છે, કારણ કે અહીં 1200 ફેક્ટરી વચ્ચે માત્ર બે જ ફાયર ફાઈટર હોવાનું સામે આવ્યું છે.

રાજકોટના મેટોડામાં આવેલી પ્રખ્યાત ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ ભભૂકી ઊઠતાં નાસભાગ મચી જવા પામી હતી. બુધવારે બપોરે પેકિંગ મશીનમાં થયેલા શોટસર્કિટના કારણે આગ લાગ્યા બાદ જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં પાંચ માળનું આખું યુનિટ આગની ઝપેટમાં આવી જતાં નાસભાગ મચી જવા પામી હતી. આગ લાગતાંની સાથે જ થોડીવારમાં મેજર કોલ જાહેર કરી રાજકોટથી 5 તેમજ મેટોડા, ગોંડલ અને શાપરથી 2-2, જામનગર, ધોરાજી, ઉપલેટાથી 1-1 એમ 15 જેટલાં ફાયરફાઈટરની મદદ લેવામાં આવી હતી અને લગભગ 2 લાખ લિટર પાણીનો મારો ચલાવી 9થી 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે 5 કિલોમીટર દૂર સુધી ગામડાંમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *