ગોંડલની સેન્ટમેરી સ્કૂલમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ડે-સ્કૂલ (વધારે સમયની શાળા) શરૂ કરવાના પ્રસ્તાવને લઈને વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે શાળા પ્રશાસન આ નિયમ બળજબરીથી લાદી રહ્યું છે.
વાલીઓએ શાળા સંચાલકો સામે સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. તેમની મુખ્ય રજૂઆત હતી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં ડે-સ્કૂલનો નિયમ લાગુ પાડી શકાય નહીં.
એક વાલી દિવ્યેશભાઈએ જણાવ્યું કે, “અમને મીટિંગમાં બોલાવીને કહેવામાં આવ્યું કે ડે-સ્કૂલ ફરજિયાત છે. જો બાળકને ન ભણાવવું હોય તો આઠમું પૂરું કરીને બીજી સ્કૂલમાં લઈ જઈ શકો છો. અમારી રજૂઆત સાંભળવા કોઈ તૈયાર નથી.”
અન્ય એક વાલી ભાવેશ નિર્મલે આક્ષેપ કર્યો કે ધોરણ 9 થી આ સ્કૂલ સરકારી ગ્રાન્ટેડ થઈ જાય છે, અને સરકારી નિયમ મુજબ ગ્રાન્ટેડ સ્કૂલમાં ડે-સ્કૂલ હોતી નથી. વાલીઓના જણાવ્યા અનુસાર, વિરોધ કરવા પર સ્કૂલ તરફથી જવાબ મળ્યો કે “ભણાવવું હોય તો ભણાવો, બાકી તમારા માટે દરવાજા ખુલ્લા છે.”