ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌથી વધુ મગફળીની આવક નોંધાઈ છે. અંદાજે 80 થી 85 હજાર ગુણી મગફળીની આવક થવા પામી હતી, જેના કારણે યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે, હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે હાલ મગફળીની આવક બંધ કરવામાં આવી છે.
યાર્ડ સત્તાધીશો દ્વારા મગફળીની આવકની જાહેરાત કરાતા સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા. યાર્ડની બહાર બંને બાજુએ 2 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરી હિતેશભાઈ સાવલિયાએ જણાવ્યું કે, આજરોજ સવારે મગફળીની સિઝનની સૌથી વધુ આવક થઈ હતી. આગામી દિવસોમાં પણ મગફળીની આવકમાં વધારો થવાની શક્યતા છે. આજની હરાજીમાં મગફળીના 20 કિલોના ભાવ રૂ. 800 થી રૂ. 1100 સુધી બોલાયા હતા.