નાટ્યપ્રેમીઓએ વિનામૂલ્યે નાટક માણ્યા ગોંડલમાં પ્રથમવાર ભગવતસિંહજી ટાઉનહોલ ખાતે સતત ચાર દિવસ તખ્તા પર નાટકો ભજવાતા કલા રસીકો ઝૂમી ઉઠ્યા હતા. ગોંડલમાં વાતાનુકુલિત અદ્યતન ટાઉનહોલનાં નિર્માણ બાદ પ્રથમવાર કલાપ્રેમીઓને સતત ચાર દિવસ નાટકનો લાભ મળ્યો છે. રાજ્ય સંગીત નાટક અકાદમીનાં આર્થિક સહયોગ દ્વારા શ્રુજન એલએલડીસી પ્રાયોજીત ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી દ્વારા છેલ્લા સતર વર્ષથી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરાય છે. આ વર્ષે સ્પર્ધા માટે 42 એન્ટ્રીઓ આવી હતી. તેમા પ્રથમ તબક્કાની હરીફાઇ માટે 22 નાટકની પસંદગી કરાઇ હતી. જે ભુજ, ગોંડલ, ભાવનગર અને સુરત ખાતે વિનામૂલ્યે યોજાઇ રહ્યા છે. ગોંડલમાં અચ્યુત પ્રોડક્શન ગાંધીનગર પ્રસ્તુત ‘આણલદે’ ભજવાયું હતુ. જેના લેખક ચં.ચી.મહેતા અને દિગ્દર્શક નિહાંસુ રાવલ હતા. બાદમાં શિવમ ફાઉન્ડેશન રાજકોટ પ્રસ્તુત વ્યવસ્થા વિચાર અને સામાજીક આચરણ પર ફોક્સ કરતુ નાટક’ કોર્ટ માર્શલ ‘ ભજવાયુ.
જેના મુળ લેખક સ્વદેશ દિપક છે. તેનો ગુજરાતી અનુવાદ હશન મલેક દ્વારા કરાયો હતો.દિગ્દર્શક કૃશાન દોશી હતા. ત્યાર બાદ ઉત્સવ ગૃપ રાજકોટ દ્વારા’ પગલાઘોડા’ ભજવાયું. જેના મુળ લેખક પદ્મશ્રી બાદલ સરકાર છે. જેમની આ વર્ષે 100મી જન્મજયંતી ઉજવાય રહી છે. જેનો ગુજરાતી અનુવાદ હશન મલેક અને દિગ્દર્શન કૃશાન દોશી દ્વારા કરાયું હતુ. એ પછી શોધક આર્ટ્સ વડોદરા પ્રસ્તુત નાટક’ ચાંદો શેં શામળો ‘ ભજવાયું હતું. જેના લેખક પન્નાલાલ પટેલ અને દિગ્દર્શક અર્પિત સોની હતા. છેલ્લા સતર વર્ષથી નાટ્ય સ્પર્ધાને જીવંત રાખતા ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીનાં સંયોજક લલીત શાહ,રમણકાંત ભગત,પ્રવિણ સોલંકી અને જીજ્ઞેશ મકવાણા દ્વારા આ સ્પર્ધા ગોંડલમાં શક્ય બની હતી. નાટ્ય સ્પર્ધાનું આયોજન રાજકોટનાં ઉત્સવ ગૃપનાં દિનેશ વિરાણી તથા શિવમ ફાઉન્ડેશનનાં ગૌતમ દવેને સોંપાયું હતુ. નાટ્ય સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે સુરતનાં કપીલદેવ શુકલ, મુંબઈનાં કુકુલ તાર માસ્તર તથા કાજલ શાહ દ્વારા સેવા અપાઇ હતી. ઉલ્લેખનીય છે કે ગોંડલનાં સાંસ્કૃતિક સર્જક મહારાજા ભગવતસિંહે નાટ્ય કલાને પ્રોત્સાહિત કરવા ભગવત રંગમંડપનું નિર્માણ રાજાશાહી સમયમાં કર્યુ હતુ, જે પાછળથી સિનેમામાં પરિવર્તિત થયુ હતુ. ભગવત રંગમંડપમાં એ સમયે હિન્દી ફિલ્મ જગતનાં દિગ્ગજ ગણાતા પૃથ્વીરાજ કપુર સહિત નાં કલાકારો નાટક ભજવી ચુક્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા અધ્યતન ટાઉનહોલનું નિર્માણ કરાયું હોય ફરી એકવાર ગોંડલનો તખ્તો નાટકોથી ગુંજી ઉઠ્યો છે.અને ગોંડલ ખરા અર્થમાં કલાનગરી બની રહ્યું છે. નગરપાલિકાએ અદ્યતન ટાઉનહોલની ભેટ આપ્યા બાદ ગોંડલનો તખ્તો ફરીવાર નાટકોની પેશકશથી ગુંજી ઉઠયો.