રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડી પાસે આવેલા બી.એ.પી.એસ. પ્રેમવતી રેસ્ટોરન્ટ દ્વારા શરતભંગ થતું હોવાનું માલૂમ પડતા તેનો સરવે કરવામાં આવ્યો હતો. આ સરવે કર્યા બાદ કલેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. અત્યાર સુધી બે વખત રિપોર્ટ સોંપાયો છે અને બન્ને રિપોર્ટમાં શરતભંગ સાબિત થયું છે. કલેક્ટરને રિપોર્ટ સોંપી દેવામાં આવતા હવે તેના તરફ તપાસ-કાર્યવાહીના આદેશ અંગે રાહ જોવાઈ રહી છે.
આ અંગેની વિગત મુજબ ગોંડલ રોડ ચોકડી પાસે વાવડી ખાતે ઔદ્યોગિક હેતુની જમીનમાં હેતુફેર કર્યા વિના પ્રેમવતી રેસ્ટોરન્ટ-ગાર્ડન અને ઓફિસનું બાંધકામ કરવામાં આવ્યું છે. 10 હજાર ચોરસ મીટર જમીન પર બાંધકામ ઊભું કરી દેવાયું છે. આમ, જે હેતુ માટે જમીન ફાળવવામાં આવી હતી.તેના બદલે અન્ય હેતુ માટે જમીન પર બાંધકામ કરી દેવામાં આવ્યું છે.આ અંગે બે વાર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.
જોકે આ અંગે વહીવટી તંત્ર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને પણ જાણ કરવામાં આવી છે. જેમાં પ્રેમવતી રેસ્ટોરન્ટે માર્જિનમાં દબાણ કર્યું છે કે કેમ? તેનો રિપોર્ટ પણ માગવામાં આવ્યો હતો. ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી આ અંગે રિપોર્ટ શું સોંપવામાં આવે છે તેના નિર્ણયની પણ રાહ જોવામાં આવી રહી છે. આમ, પ્રેમવતી રેસ્ટોરન્ટ દ્વારા થયેલા શરતભંગ પ્રકરણમાં શું કાર્યવાહી કરવામાં આવશે તે તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે.આ સિવાય વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં શરતભંગ થતું હોવાનું માલૂમ પડ્યું છે. જેનો રિપોર્ટ પણ પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટરને સોંપવામાં આવ્યો છે. જોકે હજુ સુધી આ પ્રકરણમાં કાર્યવાહીના આદેશ મળે તેની રાહ જોવાઈ રહી છે.