ગોંડલમાં સફાઇ કામદારો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની હુંસાતૂંસીમાં 15 દી’થી પ્રજાનો ખો

ગોંડલમાં છેલ્લા 15 દિવસથી સફાઈ કામદારો સફાઈ કામગીરીથી અળગા રહ્યા છે તો બીજી તરફ સફાઈ કામદારોનું કહેવુ છે કે અમોને નોકરી પરથી છુટ્ટા કરી દેવાયા છે તો પાલિકા તંત્રનું કહેવુ છે કે કામદારોને છુટ્ટા નથી કરાયા તે સ્વૈચ્છાએ ફરજ પર આવતા નથી. આથી તંત્ર અને સફાઈ કામદારો વચ્ચેની રસ્સાખેંચમાં ઠેર ઠેર ગંદકી ફેલાઈ હોય પ્રજાનો ખો બોલી રહ્યો છે. સફાઈ કામદારોની માંગણી સામે નમતું નહીં આપી નગરપાલિકા તંત્ર દ્વારા ગોધરા સહિતથી મજૂર બોલાવી સફાઈ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. પણ પુરતા પ્રમાણમાં મજૂરો ન હોય તંત્રની ‘એક સાંધો અને તેર તૂટે ‘ તેવી હાલત થવા પામી છે.

બીજી તરફ અખિલ ભારતીય સફાઈ મજદુર સંઘ દ્વારા શ્રમ અધિકારીને રજૂઆત કરી ગોંડલ પાલિકા તથા કોન્ટ્રાક્ટર દ્વારા પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936 ની કલમ-5 નો ભંગ કરવા અંગે કલમ 20(6) હેઠળ કાર્યવાહી કરવા જણાવાયું છે. બીજી બાજુ નગરપાલિકાનાં ચીફ ઓફિસર એ.જે.વ્યાસે એવુ કહ્યુ કે પાલિકાએ તો સમયસર જ કોન્ટ્રાક્ટરને વેતન ચુકવી દીધુ છે. તેમ છતાં તેમણે હજુ સુધી સફાઈ કામદારોને વેતન ચુકવ્યું નથી, આથી આ બબાલ થઇ છે. વધુમાં સફાઈ કામદારોની વિવિધ માંગણીઓને ધ્યાને લેવાને બદલે છુટા કરી દેવાયા છે અને નવી ભરતી અંગે જાહેરાત કરી દેવાઇ છે.આમાં પાલિકાનો કોઇ કસૂર નથી. અખિલ ભારતીય સફાઈ મજદુર સંઘનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમકુમાર ડાંગરે જણાવ્યું હતું કે નગરપાલિકાનાં સફાઈ કોન્ટ્રાક્ટર શ્રીજી એજન્સી દ્વારા 240 સફાઈ કામદારોને છૂટા કરી દેવાયા છે અને લઘુતમ વેતન કરતાં પણ ઓછું વેતન અપાઇ રહ્યુ છે. બીજી તરફ ઓગસ્ટ મહિનાનું વેતન પણ હજુ સુધી ચુકવાયું નથી. કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતાં તેમણે એવું કહ્યુ કે અમારી સામેની ફરિયાદ પાછી ખેંચો પછી વેતનની વાત કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *