ગોંડલ શહેર તથા ગ્રામ્ય વિસ્તારને જાણે પીજીવીસીએલ તંત્ર દ્વારા બાન લીધુ હોય તેમ છેલ્લા બે મહીનાથી દિવસમાં અનેકવાર લાઇટ જતી હોય આકરા બફારા વચ્ચે લોકો અકળાઈ ઉઠ્યાછે.અનેક રજુઆતો છતા નિંભર વીજ તંત્રનાં પેટનું પાણી હલતું ન હોય લોકોમાં આક્રોશ ફેલાયો છે.ત્યારે કોંગ્રેસ દ્વારા લોક આંદોલનની ચીમકી અપાઇ છે અને જણાવાયું છે કે લાગે છે કે તંત્રજે ભાષામાં વાત સમજે એ જ ભાષા ઉચ્ચારવી પડશે.
કોંગ્રેસ અગ્રણી યતિષભાઈ દેસાઈ એ પીજીવીસીએલનાં ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી જણાવ્યુ કે છેલ્લા બે મહીનાથી શહેર નાં સ્ટેશન પ્લોટ, મહાદેવવાડી, દેવપરા, ભોજરાજપરા, રૈયાણીનગર, રાજનગર, ગીતાનગર વોરાકોટડા રોડ વિસ્તાર સહિત દિવસ માં અનેકવાર કલાકો સુધી વિજ પુરવઠો ખોરવાય જાય છે.દર બુધવારે તો ફરજિયાત અડધો દિવસ લાઇટનો કાપ લોકો સહન કરી રહ્યાછે. જ્યારે પણ લાઇટ જતી રહે ત્યારે પીજીવીસીએલ કચેરીએ ફોન કરીએ ત્યારે ફીડરમાં ફોલ્ટ કે જંપર ગયાની એકની એક કેસેટ વાગતી રહેછે. વધુમાં સ્ટાફ ઓછો છે.અને રીપેરીંગ માટે દોડતી ગાડી એક જ છે.તેવા બહાના અપાઇ રહ્યા છે. ગ્રામ્ય માં પણ આવી હાલત છે. લાઇટ વગર વાવેતર ને પાણી પાવું મુશ્કેલ હોય લાખોનું બિયારણ નિષ્ફળ જઈ રહ્યુ છે.
વારંવાર ખોરવતા વીજ પુરવઠા અંગે જો યોગ્ય નહી કરાય તો કોંગ્રેસ દ્વારા કચેરીએ તાળાબંધી સહિત ઉગ્ર આંદોલનની ચીમકી યતિષભાઈ દેસાઈ દ્વારા અપાઇ છે. નોંધનીય છે કે થોડા સમય અગાઉ પણ વીજ કચેરી દ્વારા દાખવાતી લાપરવાહી અને નીંભરતા સામે પંથકના ખેડતોએ પણ પીજીવીસીએલ સામે આંદોલનનું બ્યુગલ ફૂંક્યું હતું અને કચેરીએ દોડી આવી વીજ ધાંધિયા દુર કરવા નક્કર પ્રયાસ કરવા આક્રમક રજૂઆત કરી હતી . હવે જોવાનું એ રહે છે કે તંત્ર જાગવા માટે કેટલો સમય લે છે.