ગોંડલમાં બંધ ફ્લેટમાં ગેસ સિલિન્ડર લીકેજ થયો હતો, ગેસ લીકેજ થતા ફ્લેટમાં આગ લાગવાની સંભાવના હતી તેથી ફાયર વિભાગે ફ્લેટનું તાળું તોડી લીકેજ ગેસ સિલિન્ડરને બહાર કાઢ્યો હતો.ગોંડલના કોટડા સાંગાણી રોડ પર આવેલા રોયલ પાર્ક 1 માં બીજા માળે 201 નંબરના ફ્લેટમાં ગેસનો બાટલો લીકેજ થયો હતો. અને ભયંકર દુર્ગંધના કારણે પડોશીઓએ ફાયરને કોલ કર્યો હતો. ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફ્લેટમાં આગ લાગે તે પહેલાં ફાયરે ફ્લેટનું તાળું તોડવાનો નિર્ણય કર્યો હતો. ગેસનું સિલિન્ડર લીક થયો ત્યારે ફ્લેટને તાળું મારેલુ હતું.
ફ્લેટમાં આગ લાગે તે પહેલા ફાયરે ફ્લેટનું તાળું તોડવાનો નિર્ણય કર્યો હતો. પૂર્વ કારોબારી ચેરમેન ઋષીભાઈ જાડેજા, નાયબ મામલતદાર એન.એમ.ચાવડા અને પોલીસ સ્ટાફની હાજરીમાં ફાયર સ્ટાફના રવિભાઈ વ્યાસ, વિજયસિંહ ચુડાસમા, પીયૂષભાઈ મૂછડીયા સહિતના સ્ટાફે તાળું તોડ્યું હતું અને ફાયર સ્ટાફે અંદર પ્રવેશી રસોડા વિભાગમાંથી બાટલાને બહાર કાઢી લીધો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર સ્ટાફ અને બાટલા એજન્સીના કર્મચારી દ્વારા ચેક કરવામાં આવતા બાટલો લીકેજ જોવા મળ્યો હતો. ત્યાર બાદ બાટલાને રસોડાની બહાર આવેલા રવેશમાં મૂકી દેવામાં આવ્યો હતો. ફ્લેટમાં મોટી દુર્ઘટના થતી અટકી હતી. ત્યારબાદ ફ્લેટને અન્ય તાળાથી લોક મારી દેવામાં આવ્યો હતો. અન્ય ફ્લેટમાં બાટલાઓ ચેક કરતા ચોથા માળે એક ફ્લેટમાંથી નળીમાંથી લીકેજ જોવા મળી હતી. જે અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.