ગોંડલમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં બાળકોથી લઇ ને મહિલાઓ અને વૃધ્ધોને હડકાયા શ્વાનોએ બચકા ભરી લોહીલુહાણ કરી મુકતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.આજે નાનીબજાર, ભગવતપરા, કોર્ટ વિસ્તારમાં 22 જેટલા લોકોને બચકાભરી ઇજાગ્રસ્ત કરતા સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.નગરપાલિકા તંત્ર ની હાલત ‘બંધેહાથ’ હોય લોકો રામભરોસે થઇ ગયા છે. ગોંડલમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી વિવિધ લતા વિસ્તારોમાં શ્વાન ટોળકીનાં તરખાટનો અત્યાર સુધીમાં અંદાજે 500 થી વધુ લોકો ભોગ બન્યા છે.બાઇક કે સ્કુટર ચાલકો પાછળ શ્વાન દોટ મુકી બચકા ભરવાની ઘટનાઓ રોજીંદી બની છે, આથી એકલદોકલ લોકો નીકળતાં પણ ડરી રહ્યા છે.એનિમલ એક્ટને લીધે તંત્ર લાચારી અનુભવી રહ્યુ છે.તો બીજી બાજુ પ્રજાનો ખો બોલી રહ્યો છે.
ગોંડલમાં છેલ્લા બે માસમાં શ્વાન કરડવાના સાદા બનાવવામાં 880 કેસ, જ્યારે હડકાયા શ્વાન કરડવામાં 100 કેસ હોસ્પિટલના ચોપડે નોંધાયા છે. ટોટલ 980 કેસ નોંધાતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ દ્વારા ગાંધીનગર સુધી રજૂઆતોનો મારો ચલાવાયો હતો. અને રસીનો સ્ટોક મંગાવાયો હતો.આજના શ્વાન કરડવાનો ભોગ બનેલા દર્દીઓએ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જો અમે સરકારી તંત્રના આધારે રહ્યા હોત તો અમારે ફરજિયાત રાજકોટ રીફર થવું પડ્યું હોત. હવે ગોંડલ હોસ્પિટલ તંત્ર પાસે ડોગ બાઈટની માત્ર 12 જેટલી જ વેકસીન રહેવા પામી છે જો કેસમાં વધારો થશે તો વધારે વેક્સિન મંગાવવાની ફરજ પડશે.શ્વાન કરડવાના વધી રહેલા બનાવ વચ્ચે હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર પડછાનો ફોન સતત સ્વીચ્ડ ઓફ આવી રહ્યો છે ત્યારે ખરા અર્થમાં જરૂર પડે તો દર્દીઓએ કોનો સંપર્ક કરવો તે પણ પ્રશ્ન ઉદભવ્યો છે.