ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ ઉડાવવા બાબતે થયેલા ઝઘડામાં એક યુવકની હત્યા થઈ છે. આ ઘટનામાં અનિલ પુંજાભાઈ લુણસિયા નામના યુવકને છરીના ઘા મારવામાં આવતા તેમનું મૃત્યુ થયું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, “તમારી પતંગ તો આઠ આનાની છે” બસ આટલું કહેતા જ બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. પતંગની ગુણવત્તાને લઈને શરૂ થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં અનિલ નામના યુવકને ત્રણ જગ્યાએ છરીના ઘા મારવામાં આવ્યા હતા. જેથી તેનું મોત થયું હતું
આ ઘટનામાં સુનીલભાઈ કાંતિભાઈ, તેમના પિતા કાંતિભાઈ ઉકાભાઈ અને ભાઈ સાગરભાઈ કાંતિભાઈ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રણેય આરોપીઓને પણ ઈજાઓ થઈ છે અને તેઓ હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ગઈકાલે ગોંડલના ભગવતપરામાં ઉતરાયણના પર્વ દરમિયાન પતંગબાજીને લઈને બે લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. “તમારી પતંગ આઠ આનાની પતંગ છે” એ વાતથી બોલાચાલી શરૂ થઈ હતી. જે બાદ એ લોકોએ ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં અનિલ પુંજાભાઈ લુણસીયાને ત્રણ જગ્યાએ છરીના ઘા મારવામાં આવ્યાં હતા. જેથી આ ઝઘડામાં અનિલનું મૃત્યુ થયું છે.