ગોંડલમાં મોડી રાત્રે ધો.10ની વિદ્યાર્થિની પરીક્ષાની ચિંતામાં ઘર છોડી નીકળી ગઈ હતી. જેથી પોલીસમાં દોડધામ થઈ ગઈ હતી. જોકે પોલીસે કુટેજની મદદથી સગીરાની ભાળ મેળવી લીધી હતી અને માતા-પિતા સાથે તેનું મિલન કરાવી દેતાં બંને પક્ષે રાહતનો શ્વાસ લીધો હતો.
ગોંડલની સહજાનંદ સોસાયટીમાં રહેતા પરિવારના સભ્યો ગોંડલ બી. ડિવિઝન પોલીસ સ્ટેશન મુકામે દોડી આવ્યા હતા અને રજૂઆત કરી હતી કે, તેમની 14 વર્ષની દિકરી રાત્રીના આશરે એકાદ વાગ્યેના અરસામાં ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ઘરેથી નીકળી ગઇ છે. બનાવને ગંભીરતાથી લઈ પીઆઇ જે.પી.ગોસાઈના માર્ગદર્શન હેઠળ તુરંત પોલીસ સ્ટાફની અલગ- અલગ ટીમ બનાવી રવાના કરાઈ હતી.
પોલીસે પહેલા ઘરની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ચેક કર્યા હતા અને તપાસ કરતા જાણવા મળ્યું કે, સગીરા પોતે જાતેથી તેના મકાનેથી નીકળી રેલ્વે સ્ટેશન તરફ ગઇ છે. રેલ્વે સ્ટેશને સીસીટીવી કેમેરા જોઇ માણસોની પુછપરછ કરતા સગીરા રમાનાથ હોસ્પિટલ થઇ રાજકોટ બાજુના હાઇવે તરફ જતી જોવા મળી હતી અને બાદમાં હાઇવે પર પોલીસ ટીમએ તપાસ કરતા આઇ.ટી.આઇ સામેની બાજુ આ સગીરા સુનમુન થઇને એકલી બેઠી હતી. આથી તેને તુરંત પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી અને તેનું કાઉન્સિલિંગ કરતા સગીરાએ જણાવ્યું હતું કે, ધોરણ – 10 માં બોર્ડની પરીક્ષા હોય જેની સતત ચિંતાના કારણે પોતે ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઈ હતી. સગીરવયની બાળાને સાંત્વના કેન્દ્રમાં મહિલા પોલીસે જરૂરી સાંત્વના આપી, બાળકી તથા તેના માતા પિતાને આ બાબતે સમજાવ્યા હતા અને આ બાળકીનું તેના માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું. માતા – પિતાને પોતાના બાળકોને અભ્યાસમાં તે હદ સુધી દબાણ ન કરવું જોઇએ કે તેઓ ઘર છોડી ચાલ્યા જાય કે કોઇ અઘટિત પગલુ ભરી બેસે.