ગોંડલના બે જર્જરીત બ્રિજ 22 કરોડના ખર્ચ રીપેર કરાશે

રાજકોટ જિલ્લાના ગોંડલમાં બે બ્રિજ આવેલા છે. જે ભગવત સિંહજીના સમયમાં બંધાયેલા 100થી 125 વર્ષ જૂના બ્રિજ છે. જેની ખરાબ હાલતને લઈને રાજકોટના યતીશ દેસાઈ દ્વારા એડવોકેટ રથીન રાવલ મારફતે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેની ઉપર આજે ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઈ હતી.

આ કેસ સંદર્ભે અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગના અન્ડર સેક્રેટરીએ એફિડેવિટ ફાઇલ કરી હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે, DPRનો ડિટેલ અભ્યાસ આર્કિયોલોજી વિભાગ, IIT મુંબઈ અને ઇન્ટેક દિલ્હી દ્વારા કરવામાં આવ્યો છે. તેની ચકાસણી કરીને તેને ફાઈનલાઈઝ કરવામાં આવ્યું છે. મુંબઈની હેરિકોન કન્સલ્ટન્સી આ બે હેરિટેજ બ્રિજનું રીપેરીંગ કામ કરશે. જેનો કોન્ટ્રાક્ટ અપાઈ ચૂક્યો છે અને 22 કરોડ રૂપિયાનું ખર્ચ થશે. અત્યારે પ્રક્રિયા બજેટ એપ્રૂવ થવાના સ્ટેજ ઉપર છે.

જે બે નવા બ્રિજ બનવાની વાત છે. તેમાં સરદાર પટેલ બ્રિજને ખસેડવો પડે તેવો અભિપ્રાય મળ્યો છે. જ્યારે હોસ્પિટલ પાસેના બ્રિજને શિફ્ટ કરવો પડશે નહીં. જો કે, હાઇકોર્ટે ફરી એકવાર ટકોર કરી હતી કે, ગોંડલના હેરિટેજ બ્રિજને અમદાવાદના એલિસબ્રિજની જેમ સેન્ડવીચ બનાવવામાં ના આવે. સરકારે જણાવ્યું હતું કે, નવા બ્રિજમાં એક બ્રિજને એપ્રુવલ આપી દેવામાં આવ્યું છે. જ્યારે બીજા બ્રિજનું સ્થળાંતરણ કરવાનું હોવાથી ત્યાં જમીન મેળવવાની છે. હાઇકોર્ટે આ પ્રક્રિયાનો દર બે અઠવાડિયે રિપોર્ટ રજૂ કરવા સરકારને હુકમ કર્યો છે. સાથે જ આ તમામ બ્રિજનું રીપેરીંગ અને બનાવટનું કામ જે એજન્સી સુપરવાઇઝ કરવાનું હોય તેના પણ નામ માગ્યા છે અને વધુ સુનાવણી 3 જુલાઈના રોજ રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *