ગોંડલની નાનીબજારમાં ધારશી પારેખની શેરીની સામે અતિ જર્જરિત થઇ ગયેલા અને બંધ હાલતમાં રહેલા જુનવાણી મકાન કોઇ દુર્ઘટના સર્જે તે પહેલા તોડી પાડવા લતાવાસીઓ દ્વારા પાલિકાનાં ચિફ ઓફિસરને રજુઆત કરી છે. વારંવાર રજૂઆત છતા કોઇ પગલા લેવાતા ન હોય ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ છે.
નાનીબજારમાં ધારશી પારેખની શેરી સામે અંદાજે ત્રીસ વર્ષથી બંધ હાલતમાં રહેલું જૂનવાણી મકાન જર્જરીત હોય ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી દહેશત છે. જો રાહદારીઓ કે સામે આવેલી દુકાનો પર આ મકાન નો મલબો પડેતો જાનહાની સાથે દુર્ઘટના સર્જાય તેવી સંભાવના છે. વેપાર વાણિજ્યની મુખ્ય બજાર હોવાથી લોકોની અવરજવર સાથે સવારથી રાત સુધી ધમધમતી હોય છે. અને વચ્ચોવચ આ પડુ પડુ થઇ રહેલું જર્જરીત મકાન આવેલુ છે. મકાન ગમે ત્યારે જમીનદોસ્ત બને તેવી હાલત વચ્ચે લોકોનાં જીવ પડીકે બંધાયા છે. આવા સંજોગોમાં તેજસભાઇ સંપટ, દિપકભાઈ ખેતિયા, પંકજભાઈ આશર, કાંતિભાઈ શેઠીયા સહિત ધારશી પારેખની શેરીનાં લતાવાસીઓ એ નગરપાલિકામાં વર્ષ 2023 થી અવારનવાર રજૂઆતો કરી છે. પાલીકા તંત્ર દ્વારા નોટિસ અપાઇ છે. પણ જોખમી બનેલા મકાનનો ઇમલો ઉતારવા અંગે કોઈ કાર્યવાહી કરાઇ ન હોય જો યોગ્ય પગલાં નહી લેવાય તો ઉપવાસ આંદોલનની ચીમકી લતાવાસીઓ દ્વારા ઉચ્ચારાઇ છે.