ગોંડલનાં વિકસીત થઈ રહેલા નાગડકા રોડ પર વરસાદને કારણે રોડની હાલત બદતર બની છે. અધુરામાં પુરુ આ રોડ પર કન્ટેનરો અને ભારે વાહનો બેફામ દોડતા હોય રાહદારીઓ પર જીવલેણ અકસ્માતનો ભય તોળાયેલો રહે છે. તંત્ર દ્વારા આ સિંગલ પટ્ટી રોડ પહોળો કરવા અથવા ભારે વાહનો પર બાન મુકવા લોકમાંગ પ્રબળ બની છે.
નાગડકા રોડ પર રાજહંસ, સાયોના, રામેશ્વર પાર્ક, શિવશક્તિ સહિત અનેક સોસાયટીઓ આવી છે. ગોંડલનો આ વિકસીત વિસ્તાર ગણાય છે.અને નવી સોસાયટીઓ માટે પ્લોટિંગ પડી રહ્યા છે. ત્યારે રાહદારીઓ માટે રોજીંદા અવરજવર માટે એકમાત્ર સિંગલ પટ્ટી રોડ છે. જે થોડો સિમેન્ટ થી મઢેલો છે. બાકી રહેલો રોડ ડામર પટ્ટી છે.
ચોમાસામાં ભારે વરસાદ થી ઠેરઠેર ડામરની તુટફુટ થઇ હોય રોડ પર અડધાં ફુટ નાં ગાબડા પડ્યા છે. જેના કારણે રાહદારીઓ, મહીલાઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. નાગડકા પાસે ઇન્ડસ્ટ્રીઝ ઝોન હોય આ સિંગલ પટ્ટી રોડ પર તોતિંગ હેવી ટ્કો, મોટા કન્ટેનરો કે ટ્રોલી સાથેનાં ટ્રેકટરની ભારે દોડાદોડ રહેતી હોય ટુ વ્હીલર ચાલકો કે પગપાળા જતા રાહદારીઓ માટે જોખમ સર્જાયેલુ રહે છે.
ગોપાલ નમકીનનાં મોટા કન્ટેનરોની ભારે આવનજાવન હોય ટ્રાફિક જામની સમસ્યા રોજીંદી બની છે. સ્કુલ બસ કે સ્કુલ વાન પણ ટ્રાફિક ની હડફેટ માં ચડે છે. બિસ્માર રોડ અને હેવી વાહનોની અવરજવર સિંગલ પટ્ટી રોડ પર જીવલેણ બને તે પહેલા જવાબદાર તંત્ર યોગ્ય ઉકેલ લાવે તેવી માંગ ઉઠવા પામી છે.