રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં ગોંડલના બે આશાસ્પદ યુવાનોનો ભોગ લેવાયો છે. જે પૈકી ખરેડાના યુવાનની ઓળખ થયા બાદ 72 કલાક બાદ અન્ય ક્ષત્રીય યુવાનના ડીએનએ મેચ થતાં મૃતદેહ પરીવારને સોપાયો છે. ગોંડલ તેમના નિવાસ સ્થાનેથી મોડી સાંજે અંતિમયાત્રા નીકળતા આંસુઓનો દરીયો વહ્યો હતો. મોટી સંખ્યામાં લોકો યુવકની અંતિમયાત્રામાં જોડાયા છે. પરીવારના આશાસ્પદ યુવાનની અણધારી વિદાયથી પરીવારમાં આક્રંદ છવાયું છે. આ સાથે અગ્નિકાંડમાં કાળનો કોળિયો બનેલા વેરાવળના નવદંપતીના મૃતદેહ ગત મોડીરાત્રે વેરાવળ ખાતે આવી પહોંચતા સમગ્ર વિસ્તારમાં કાળો કલ્પાંત જોવા મળ્યો હતો. વ્હાલ સોયાના અકાળે અવસાનથી અજાણ મૃતક વિવેકની માતાને સમાચાર મળતાની સાથે જ હતપ્રભ બની ગયા હતા અને પોતે પણ મરી જવા માટે વ્યાકુળ નજરે પડ્યા હતા.
ગત શનિવારની ગોજારી સાંજે રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલ અગ્નીકાંડમાં મિત્રો સાથે ગયેલા શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.વ.20) દુર્ઘટનાનો ભોગ બન્યા છે. દુર્ઘટના બની ત્યારથી શત્રુઘ્નસિંહ લાપતા હતા. 72 કલાક બાદ તેમનાં ડીએનએનો રિપોર્ટ આવતા મૃતદેહ પરીવારને સોંપાયો હતો. ગોંડલ આશાપુરા રોડ પર આવેલા તેમના નિવાસસ્થાનેથી નિકળેલી અંતિમયાત્રામાં ભારે હૈયે લોકો જોડાયા હતા. શત્રુઘ્નસિહ બે ભાઇઓના પરીવારમાં મોટા હતા. રાજકોટ મારવાડી કોલેજમાં બી.સી.એ.નો અભ્યાસ કરતા હતા.