ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. કમઢીયા ગામના પરિણીત શખ્સ રાહુલ વિનોદભાઈ ભાલાળા સામે એક પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર, આરોપી રાહુલ તેના પતિનો મિત્ર હતો અને નિયમિત તેમના ઘરે આવતો હતો. છેલ્લા ચાર મહિનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. રાહુલે લગ્નનું વચન આપ્યું હતું. 5 જુલાઈ, 2025ના રોજ મહિલા પોતાનું ઘર છોડીને નીકળી ગઈ હતી.
આરોપી રાહુલ અને તેનો મિત્ર હાર્દિક ઉર્ફે ધમાભાઈ ચાવડા મહિલાને મોટરસાયકલ પર સાણથલી લઈ ગયા. ત્યારબાદ કેશવાળા ગામના પાટીયા પાસે આવેલા એક ગેરેજની પાછળ રાહુલે મહિલા સાથે ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યું.
રાહુલના કહેવાથી પીડિતાએ પોતાના પતિ પાસેથી નોટરી કરારથી છૂટાછેડા લીધા. પરંતુ જ્યારે લગ્નની વાત આવી ત્યારે આરોપી અને તેના પરિવારે ના પાડી દીધી. પોલીસ મધ્યસ્થી બાદ રાહુલે ત્રણ દિવસમાં લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ ત્યારબાદ તે ફરી ગયો અને ફોન સ્વીચ ઓફ કરી દીધો.
પોલીસે મુખ્ય આરોપી રાહુલ અને તેના મિત્ર હાર્દિક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 69 અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે. બંને આરોપીઓની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.