ગોંડલનાં સંત પુરુષ નાથાભાઇ તથા રમાબેન ની આધ્યાત્મિક અને દિવ્ય ચેતનાનો જ્યાં સદૈવ સાક્ષાત્કાર થઇ રહ્યો છે તેવા ઉમવાડા રોડ પર આવેલા રમાનાથધામ ખાતે આદ્યશક્તિ અંબાજી માતાજી સહિત પંચદેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની સ્મૃતિમાં પ્રતિ વર્ષની માફક ત્રિદિવસીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે.
જેમાં અગિયાર યજ્ઞકુંડ સાથે સતચંડી મહાયજ્ઞ તેમજ સ્મૃતિમંદિરનાં પ્રાંગણમાં સત્સંગ, સંકિર્તનનું આયોજન કરાયું છે. પ્રથમ દિવસે સ્મૃતિમંદિરે પ્રાત:પુજન,ગણપતિ પુજા,સ્વસ્તિ પુન્યા વાંચન,મંડપ પ્રવેશ, હોમાત્મક શતચંડી પ્રારંભ, સાયંપુજા, આરતી પ્રાર્થના કરાયા હતા.
તા.31 શનિવાર નાં સ્મૃતિમંદિરે પ્રાત:પુજન, ગણપતિ પુજન,સ્થાપિત દેવોનું પુજન,પ્રધાન હોમ ચાલુ,સાયંપુજા,આરતી પ્રાર્થના તૃતીય દિવસ તા.1 રવિવાર ધ્વજારોહણ, અન્નકુટ દર્શન, હોમાત્મક શતચંડી યજ્ઞ તથા પુર્ણાહુતી સાંજે 5 કલાકે થશે.રાત્રીનાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ છે.
મહોત્સવમાં ધર્મલાભ લેવા રમાનાથધામ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે. ગોંડલના આંગણે આસ્થા અને શ્રદ્ધાનો મહાસંગમ રચાયો છે. જેમાં 11 યજ્ઞકુંડ સાથે શતચંડી મહાયજ્ઞમાં 21 બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન કરાઇ રહ્યા છે. 11 યજમાન શ્રદ્ધા પૂર્વક પૂજામાં જોડાયા છે. ત્રીજા દિવસે 52 ગજની ધજા ચડાવવામાં આવશે.
આજે તા. 31 જાન્યુઆરીને શનિવારે દ્વિતીય દિવસના પ્રાત પૂજન સ્મૃતિ મંદિરે, ગણપતિ પૂજન, સૂર્ય અધ્યૅ પૂજન, સ્થાપિત દેવોનું પૂજન, પ્રધાન હોમ ચાલુ, સાય પૂજા, આરતી, પ્રાર્થના કાર્યક્રમ યોજાશે.