કંચનબેન હરેશભાઈ સોલંકી (ઉં.વ.35) અને હરેશભાઈ નાનજીભાઈ સોલંકી (ઉં.વ.40) આજે સવારે 9 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે ગેસની નળી લીકેજ થતા આગ લાગતા બંને શરીરે દાઝી ગયા હતા, જેથી બન્નેને 108 મારફત સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ હરેશભાઈ શાકભાજી વેંચતા હોવાનું અને મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જયારે પત્ની કંચનબેન ભંગાર એકઠો કરી ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. તેઓને સંતાનમાં 2 દીકરા અને 3 દીકરી છે. આજે સવારે ઉઠીને હરેશભાઈ રસોડામાં ચા બનાવતા હતા ત્યારે અચાનક ગેસના સિલિન્ડરની લાઈન લીક થઈ ગઈ હતી જેથી ભડકો થયો હતો. આગ ઠારવા અને પતિને બચાવવા પત્નીએ પણ અગ્નિ જ્વાળા સાથે બાથ ભીડી હતી અને પતિને બહાર કાઢ્યા હતા. જોકે બંને ગંભીર રીતે દાઝી જતા હાલ બંને ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે.