કેન્દ્ર સરકારે ઘરેલું LPG સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા પછી બીજો સિલિન્ડર 21 દિવસને બદલે 25 દિવસ પછી જ બુક કરી શકશે. એટલે કે સરકારે રિફિલ બુકિંગના લઘુત્તમ વેઇટિંગ પિરિયડને 4 દિવસ માટે વધારી દીધો છે.
મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે સરકારે આ પગલું ગેસનો સંગ્રહ અટકાવવા અને તમામ ગ્રાહકોને સમાન રીતે સપ્લાય સુનિશ્ચિત કરવા માટે ભર્યું છે. સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) ને આ માહિતી આપી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળી રહ્યું હતું કે જરૂર ન હોવા છતાં લોકો સિલિન્ડર બુક કરીને સ્ટોક કરી રહ્યા હતા. વેઇટિંગ પિરિયડને 25 દિવસ કરવાથી બિનજરૂરી બુકિંગ પર અંકુશ આવશે. તેનાથી એવા લોકોને સરળતાથી સિલિન્ડર મળી શકશે જેમને ખરેખર જરૂર છે.
દિલ્હીમાં 14.2 કિલોગ્રામનું LPG ગેસ સિલિન્ડર હવે 913 રૂપિયામાં મળી રહ્યું છે. પહેલા આ ભાવ 853 રૂપિયા હતો. બીજી તરફ, 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરમાં 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. તે હવે 1883 રૂપિયામાં મળી રહ્યું છે. વધેલા ભાવ 7 માર્ચથી લાગુ થઈ ગયા.
આ પહેલા સરકારે 8 એપ્રિલ 2025ના રોજ ઘરેલું સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. એટલે કે આ વધારો લગભગ એક વર્ષ બાદ કરવામાં આવ્યો છે. તો 1 માર્ચ 2026ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 31 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.
સરકારે ગેસના ભાવમાં આ વધારો એવા સમયે કર્યો છે જ્યારે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે દેશમાં ગેસની અછત સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.