જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના નિર્દેશ મુજબ લાલપુર પ્રાંત અધિકારી શ્રી અસવારે જામજોધપુર તાલુકામાં નિરીક્ષણ હાથ ધર્યું. તેમણે ભોજાબેડી-શેઠવડાળા રોડ પર ગેરકાયદેસર રીતે લાઈમ સ્ટોનનું વહન કરતા બે ટ્રેક્ટરને પકડ્યા.
પ્રાંત અધિકારી અસવાર તેમની ટીમ સાથે જામજોધપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ભોજાબેડી અને શેઠવડાળા વચ્ચેના માર્ગ પર શંકાસ્પદ રીતે જતા બે ટ્રેક્ટરને રોકવામાં આવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે ટ્રેક્ટરમાં લાઈમ સ્ટોનનું વહન કોઈપણ માન્ય પરવાનગી વિના થઈ રહ્યું હતું.
પ્રાંત અધિકારીએ તાત્કાલિક પગલાં લેતા બંને ટ્રેક્ટરને સ્થળ પર જ જપ્ત કર્યા. આગળની કાયદેસરની કાર્યવાહી માટે ટ્રેક્ટરને શેઠવડાળા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર કેતન ઠક્કરે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં. આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.