ગેરકાયદેસર બાંધકામ મુદ્દે 1 લાયસન્સ સસ્પેન્ડ, 19ને નોટિસ

રાજકોટમાં ગેરકાયદે બાંધકામની ગેરપ્રવૃત્તિમાં સામેલ આર્કિટેક્ટ અને ઇજનેરો સામે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ભ્રષ્ટ કડી તોડવાના ભાગરૂપે, એક ઇજનેર વિપુલ કાસમપરાનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને 19 આર્કિટેક્ટ સહિત કુલ 20 પ્રોફેશનલ્સને ખુલાસા માટેની નોટિસ ફટકારવામાં આવી છે. આ માહિતી તાજેતરમાં સામાન્ય સભામાં જાહેર કરાઈ હતી. છેલ્લા દોઢ વર્ષમાં મનપાએ ત્રણેય ઝોનમાં મળી 19 આર્કિટેક્ટને નોટિસ આપી છે. જોકે, ગેરકાયદે બાંધકામોની કુલ 3033 નોટિસમાંથી અડધાથી વધુ નોટિસ પૂર્વ ઝોનમાં હોવા છતાં, ત્યાં માત્ર 1 આર્કિટેક્ટને નોટિસ આપવામાં આવી છે, જે મનપાની કાર્યવાહીમાં વિસંગતતા દર્શાવે છે. ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ શરૂ થયેલી ઝુંબેશ અને ઇમ્પેક્ટ ફી કાયદા છતાં જે 9,883 જેટલા બાંધકામો નિયમિત નહીં થઈ શક્તા તે ગેરકાયદેસર સાબિત થયા છે. આ વધારાના બાંધકામો માટે ઇજનેર અને આર્કિટેક્ટને જવાબદાર ઠેરવી પગલાં લેવાનું ચાલુ રાખવામાં આવનાર હોવાનું મનપાએ જાહેર કર્યું છે.

અન્ય સમાચાર ભારતીય માનક બ્યુરો રાજકોટ શાખાના અધિકારીઓએ તાજેતરમાં BIS સ્ટાન્ડર્ડ માર્ક વિનાના ઉત્પાદકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. મેટોડામાં આવેલી એક્ટિવ પ્લસ મેન્યુફેક્ચરર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઓમ એનર્જી ઇક્વિપમેન્ટ દ્વારા BIS માર્ક વિના સંગ્રહિત પાણીની ટાંકીઓ, કાચની ટ્યુબ્સ અને સોલાર વોટર હીટિંગ સિસ્ટમનું ઉત્પાદન અને વેપાર કરવામાં આવતો હતો. શોધ અને જપ્તીની કાર્યવાહી દરમિયાન, ઓમ એનર્જી ઇક્વિપમેન્ટ પાસેથી વિવિધ પ્રકારની સંગ્રહિત પાણીની ટાંકીઓ, કાચની ખાલી ટ્યુબ્સ અને સોલાર વોટર હીટિંગ સિસ્ટમ માટેની કુલ 14 ટાંકીઓ સહિત રૂ. 2 લાખની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.તેવી રીતે, એક્ટિવ પ્લસ મેન્યુફેક્ચરર્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતેથી વિવિધ પ્રકારની પાણીની ટાંકીઓ, કાચની ખાલી ટ્યુબ્સ અને સોલાર વોટર હીટિંગ સિસ્ટમ માટેની કુલ 53 ટાંકીઓ જપ્ત કરવામાં આવી હતી, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 7.5 લાખ છે. આ કાર્યવાહી કાર્યાલયના નિયામક સત્યેન્દ્ર કુમાર પાંડે, નાયબ નિયામક રાહુલ રાજપૂત, સહાયક નિયામક શુભમ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. BIS અધિકારીઓએ ગ્રાહકોને ISI માર્ક અને લાઈસન્સ નંબર તપાસવા માટે BIS Care App નો ઉપયોગ કરવાની અને આવા દુરુપયોગની જાણ BIS કાર્યાલયને કરવા અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *