રાજકોટ શહેરમાં છેલ્લા એક પખવાડિયાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કફોડી બની છે અને ગુનેગારો બેખોફ બન્યા છે. ત્યારે રાજકોટ શહેરને ફરી શાંત અને સલામત બનાવવા માટે શાહે પોલીસે કમર કસી છે. હવે ક્રાઇમ બ્રાન્ચ એક્શનમોડમાં આવી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા 6359929896 વ્હોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગેરકાયદે પ્રવૃત્તિ અંગે માહિતી આપવા લોકોને અપીલ કરવામાં આવી છે. તેમાં ખાસ માહિતી આપનારનું નામ-શરનામું ગુપ્ત રાખવા તેમજ યોગ્ય ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે.
રાત્રે કોમ્બિંગ-વાહન ચેકિંગ ઝુંબેશ કાળીચૌદશની રાત્રે થયેલ ટ્રીપલ મર્ડર બાદ તાજેતરમાં મંગળા રોડ પર ગેંગવોરને કારણે બે જૂથે અંધાધૂંધ ફાયરિંગ કરતાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટના બાદ પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી તાત્કાલિક તમામ ડીસીપી, એસીપી, પીઆઇ અને ક્રાઇમ બ્રાન્ચ તેમજ SOGના અધિકારીઓ સાથે બેઠક બોલાવી કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. આ પછી હવે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે પણ એક્શનમાં આવી છે. ડીસીપી ક્રાઇમના નેતૃત્વમાં દરરોજ રાત્રે કોમ્બિંગ નાઈટ, નાઈટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ કરી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં આતંક મચાવનાર અને શાંતિ ડહોળવા પ્રયાસ કરનાર શખ્સો તેમજ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે માહિતી આપવા અનુરોધ કર્યો છે. આ માટે વ્હોટ્સએપ નંબર 6359929896 જાહેર કરવામાં આવ્યો. છે. ક્રાઈમ બ્રાંચે લોકોને તેમનાં ઘર, ઓફિસ, નોકરી સહિતનાં સ્થળો આસપાસ ભય ફેલાવનાર કે લુખ્ખાગીરી કરનાર ઉપરાંત કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર શખ્સો અંગે જાહેર કરાયેલા વ્હોટ્સએપ નંબર ઉપર જાણકારી આપવા અનુરોધ કર્યો છે. આ માહિતી આપનારનું નામ અને સરનામું ગુપ્ત રાખવા અને યોગ્ય ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે.