ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના આરોપી અને જમીન માલિકને પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. જમીન માલિક અશોકસિંહ તથા ટીપી શાખાના અધિકારીઅોએ અગ્નિકાંડ બાદ ઇમ્પેક્ટ ફીનું ડુપ્લિકેટ જાવક રજિસ્ટર બનાવ્યાનો ધડાકો થયો છે અને પુરાવાના નાશ સહિત સાત કલમનો ઉમેરો કરવા પોલીસે કવાયત શરૂ કરી હતી. અગ્નિકાંડના આરોપી અશોકસિંહ જગદીશસિંહ જાડેજાની ગુરુવારે પોલીસે ધરપકડ કરી હતી. અશોકસિંહને સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આરોપી અશોકસિંહે પોતે આંધળા અને બહેરા હોવાનું કારણ કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ ન મળે તેવી દલીલ કરી હતી, પરંતુ એડવોકેટ સુરેશ ફળદુ અને સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી સહિતના વકીલોએ પુરાવા સાથે દલીલ કરી હતી કે, અશોકસિંહ જમીનના માલિકની સાથે રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદાર છે, તેમણે અત્યાર સુધીના તમામ દસ્તાવેજોમાં સહીઓ કરી હતી જ્યારે રિમાન્ડ ન મળે તે માટે પોતે આંધળા અને બહેરા હોવાનું કારણ દર્શાવવા વકીલાતનામામાં અંગૂઠો મારી કોર્ટની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.