ગુરુ-શિષ્યના સંબંધને શર્મસાર કરતો કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે. જે શિક્ષિકા પાસે ધો.10માં અભ્યાસ કરતો હતો તે શિક્ષિકાનો 12 વર્ષ પછી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી લગ્ન કર્યા બાદ વિદેશ સ્થાયી થવાની લાલચ આપી શિક્ષિકા પર અનેકવખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ ઉપરાંત બિઝનેસમાં ખોટ ગઈ છે તેવું કહી રોકડ રકમ, પીએફ અને સોનું વેચાવી 7 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. લગભગ અઢી વર્ષ સુધી શારીરિક સંબંધો રાખ્યા બાદ લગ્ન કરવાની ના પાડી દેતા શિક્ષિકાએ તેના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.
પતિ સાથે છૂટાછેડા થયા બાદ રાજકોટમાં એકલા જ રહેતા શિક્ષિકાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 25 જૂન 2024ના રોજ તેના ફેસબુક પર એક મેસેજ આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, તે તેનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ત્યારબાદ ફોન નંબરની આપ લે થઈ હતી. વિદ્યાર્થી 12 વર્ષ નાનો હતો આમ છતાં તેને શિક્ષિકા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજકોટમાં સંસ્કાર સિટી બી વિંગ 404 મવડીમાં રહેતા ધ્રુવીલ પંકજભાઈ દેસાઈ નામના યુવાને જુલાઈ 2024માં શિક્ષિકાને ફોન કરીને સીધો જ તેના ઘેર પહોંચી ગયો હતો અને કહ્યું હતું કે, ‘હું જ્યારે ધો.10માં ભણતો હતો ત્યારથી જ તમે મને ગમો છો, હું સ્કૂલ ટાઈમથી જ તમને લાઈક કરું છું.’
ત્યારબાદ ફરી એક વખત લગ્નનો પ્રસ્તાવ મૂકીને શિક્ષિકા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જાન્યુઆરી 2025માં શિક્ષિકાના માતાને પણ મળીને ‘હું શિક્ષિકા સાથે લગ્ન કરવા માગું છું અને અમે લગ્ન બાદ ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ જશું’ તેવી વાત કરી હતી. ત્યારબાદ લગભગ દરરોજ રાત્રિના સમયે ધ્રુવીલ શિક્ષિકાના ઘેર આવતો જતો હતો અને લગ્ન કરી જ લેવાના છે તેથી શિક્ષિકા પણ તેમની સાથે પત્નીની જેમ રહેતા હતા. નવેમ્બર 2025માં બંને થાઈલેન્ડ પણ ફરવા ગયા હતા અને ચાર જ્યોતિર્લિંગની યાત્રા પણ કરી હતી.
શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2025માં ધ્રુવીલના માતાનો ફોન આવ્યો હતો કે, તે મારા છોકરાને ફસાવ્યો છે, જોકે આ સમયે ધ્રુવીલ પોતાની પાસે જ હતો. ત્યારે ધ્રુવીલે એમ કહ્યું હતું કે, તમારે માત્ર હાએ હા જ કરવાની છે. બાકી બધું હું ટેકલ કરી લઈશ. જોકે ધ્રુવીલે માર્ચ 2025માં તેની સાથે જ ભણતી યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. આ વાતની પોતાને જાણ થતાં તે શું કરવા માગે છે તેમ પૂછતા ધ્રુવીલે સ્પષ્ટ કહ્યું હતું કે, પરિવારના દબાણથી આ સગાઈ કરી છે, પરંતુ હું લગ્ન તો તમારી સાથે જ કરવાનો છું અને છેક 23-12-2025 સુધી મળવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને આ સમય દરમિયાન અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.