બે વર્ષ પહેલાં સોખડામાં રહેતાં ગુણાતીત ચરણદાસ સ્વામીએ રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરવાના બનાવમાં કોર્ટે મંજુસર પોલીસને તપાસ કરવા મંજૂરી આપી છે. આપઘાતની વાત છુપાવવાની વાત સાધુ ત્યાગવલ્લભ સ્વામી સહિત 5 જણે છુપાવવાના મામલે મંજુસર પોલીસ મથકમાં નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધાતા તપાસ માટે પોલીસે કોર્ટ પાસે મંજૂરી માગી હતી.
પોલીસ સૂત્રોના મુજબ 27 એપ્રિલ-2022ના રોજ સોખડા સ્વામિનારાયણ મંદિર ખાતે ગુણાતીત ચરણદાસ સ્વામીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તેમ છતાં તેમનું મોત કુદરતી રીતે નીપજ્યું હોવાનું કથન ચાલુ રાખીને એકબીજાની મદદગારી પાંચેય આરોપીઓએ કરી હતી. આખરે આ મામલો બે વર્ષ બાદ મંજુસર પોલીસ મથકમાં પહોંચ્યો છે. ગુણાતીત સ્વામીના મુંબઇ સ્થિત ભત્રીજા હસમુખભાઇ મોહનલાલ ત્રાંગડિયા (રે. સાંઇ કિરણ બિલ્ડિંગ, રેલવે સ્ટેશન સામે. મુંબઇ) (મૂળ રે. જુમા મસ્જિદની બાજુમાં, વંથલી, જૂનાગઢ) દ્વારા કિશોરભાઇ નારણભાઇ ત્રાંગડિયા (રે. વંથલી, જૂનાગઢ), સાધુ હરિપ્રકાશદાસ ગુરુ હરિપ્રસાદજી (રહે. યોગી આશ્રમ, સોખડા), સાધુ પ્રભુપ્રિયદાસ ગુરુ હરિપ્રસાદજી (રહે. સોખડા શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, વડોદરા), સાધુ જ્ઞાનસ્વરૂપદાસ ગુરુ હરિપ્રસાદજી (રે.યોગી આશ્રમ, સોખડા, શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર), સાધુ ત્યાગવલ્લભદાસ સ્વામી ગુરુ હરિપ્રસાદ સ્વામી (રે. યોગી આશ્રમ, સોખડા, શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર) વિરુદ્ધ મંજુસર પોલીસ મથકમાં નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટે પોલીસ તપાસ માટે મંજૂરી આપતા ઉપરોક્ત પાંચેયનો સ્વામીના આપઘાત પાછળ તેમનો શું ભૂમિકા હતી તે અંગે તપાસ કરવામાં આવશે.