ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના સભ્ય અમૃતાબેન અખીયાએ રાજકોટ જિલ્લાની આંગણવાડી, હોસ્પિટલ, મધ્યસ્થ જેલ, સીમ શાળા, કસ્તુરબા બાલિકા વિદ્યાલય સહિતની અનેકવિધ સંસ્થાઓની મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવી યોગ્ય સૂચનાઓ આપી હતી. આ પ્રવાસ દરમિયાન રાજકોટની ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, હોમ ફોર બોયસ, મુકારબા શેરી વિસ્તારની આંગણવાડી, જસદણ તાલુકાના વિરનગરમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નંદઘર આંગણવાડી, ગોપાલધામ અનુસૂચિત જાતિ આશ્રમશાળા અને શિવરાજપુરની ખોડિયારપરા સીમ શાળાની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં તેઓએ બાળકોને અપાતી સુવિધા અંગે બાળકોને વ્યક્તિગત મળી વિગતવાર વિગતવાર ચર્ચા કરી હતી અને બાળકોનું ભાવિ ઉજ્જવળ બને, તે માટે પ્રયત્નો કરવા સ્ટાફ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી. જસદણ પોલીસ સ્ટેશનમાં પોક્સોને લગતા ગુન્હાઓની વિગતો તથા ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમની માહિતી મેળવી હતી તેમજ જસદણની સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગ, લેબર રૂમ, OPD સહિત આરોગ્યલક્ષી પાયાની સુવિધાઓ અંગે ચર્ચા કરી અને સૂચનાઓ આપી હતી તેમજ મધ્યસ્થ જેલમાં મહિલા કેદીઓની મુલાકાત લઈ જ સગર્ભા કેદીઓને તેની જરૂરિયાત તેમજ યોગ્ય કાળજી અને વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી હતી.