શાપર વેરાવળમાં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ કરી કારખાનેદારે એક વર્ષમાં 45 લાખની ગેસની ચોરી કરી હતી. પોલીસે કારખાનાના પાંચ ભાગીદારો સામે ગુનો નોંધી તપાસ આગળ ધપાવી હતી. રાજકોટના સોપાન હાઇટ્સમાં રહેતા અને ગુજરાત ગેસ લિમિટેડ રાજકોટમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશભાઇ દુલાભાઇ બલદાણિયા (ઉ.વ.38)એ શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શાપરમાં આવેલા ઇથર કોર્પોરેશનના ભાગીદારો કિશન ધરમશી ભાલોડિયા, જય દિનેશચંદ્ર સભાયા, દિનેશચંદ્ર દેવરાજ સભાયા, સેજલ મહેન્દ્ર ઝણકાર અને ધરમશી કાનજી ભાલોડિયાના નામ આપ્યા હતા.
મુકેશભાઇ બલદાણિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા રાજકોટ જિલ્લામાં ઔદ્યોગિક હેતુ માટે 556 એક્ટિવ ગ્રાહકોને ગેસ વપરાશ માટે જોડાણ આપવામાં આવ્યું છે, ગત તા.21 નવેમ્બરના રાત્રીના ઇથર કોર્પોરેશન નામના કારખાનામાં તપાસ કરવામાં આવી તો આ કંપની દ્વારા ગેસ કંપનીની મુખ્ય પાઇપલાઇનમાં ગેરકાયદે હોલ કરી કરી ગેસ ચોરી કરવામાં આવી હતી. આ કંપનીએ વર્ષ 2016માં ગેસનું જોડાણ પણ મેળવ્યું હતું.
ગેસ કંપનીની ટીમે કારખાનાના સંચાલક કિશ્ન ભાલોડિયાની પૂછપરછ કરી તો તેણે ગેસચોરીની કબૂલાત આપી હતી, ગુજરાત ગેસની ટીમ કરી તો ઇથર કોર્પોરેશન દ્વારા છેલ્લા એક વર્ષમાં અંદાજે રૂ.45 લાખનો 59 હજાર યુનિટ ગેસનો ગેરકાયદે કનેક્શન દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કારખાનાનો માલિક એક વર્ષથી ગેસ ચોરી કરતો હતો, અંતે તપાસ થઈ અને કારસ્તાન બહાર આવ્યું શાપરમાં ઇથર કોર્પોરેશનના સંચાલકો એક વર્ષથી મુખ્ય લાઇનમાં ભંગાણ કરી ગેસચોરી કરતા હતા છતાં ગુજરાત ગેસ કંપનીના જવાબદાર અધિકારીઓને તેની કાનોકાન જાણ થઇ નહોતી, શાપરમાં ચર્ચાતી વિગતો મુજબ, ગુજરાત ગેસની મુખ્ય લાઇનમાંથી ગેસ ચોરી થતી હતી તે બાબતે કેટલાક અધિકારીઓની પણ સંડોવણી હોવાની દ્રઢ શંકા છે, કેમ કે ગેસ સપ્લાય થતો હોય તેનું બિલ બનતું હોય અને તેના સ્ટોક સહિતની બાબતથી ગેસચોરી સ્પષ્ટ થઇ શકે, પરંતુ કેટલાક કારખાનેદારો આવા અધિકારીઓને પોતાની સાથે સાંકળી તેમને તેમની ઇચ્છા મુજબ ખુશ કરી ગેસચોરી કરતા હોય છે, ઇથર કોર્પોરેશન એક વર્ષથી ગેસચોરી કરતું હતું અને ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ તેનાથી અજાણ હોય તે બાબત કોઇને ગળે ઉતરે તેવી નથી.