ગુજરાતમાં ફરી એક વખત હનીટ્રેપમાં એક યુવક ફસાયો છે. આ વખતે પોરબંદરનો યુવક સોશિયલ મીડિયામાં સુંદર યુવતી સાથે ચેટિંગ કરતાં કરતાં પાકિસ્તાન માટે જાસૂસી કરતો થઈ ગયો અને તેણે તેના માટે રૂપિયા પણ લીધા હોવાની વિગતો સામે આવી છે. સોશિયલ મીડિયામાં દેખાતી અતિસુંદર યુવતીની પ્રોફાઇલમાં તે એવો ફસાયો કે તેણે દેશની મહત્ત્વની માહિતી અને ફોટોગ્રાફ્સ પાકિસ્તાનને મોકલી આપ્યા છે. હાલ આ સમગ્ર મામલે ગુજરાત ATSએ આરોપીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલાં પણ હનીટ્રેપના કેસમાં પાકિસ્તાનની નાગરિક માટે જાસૂસી કરતા યુવકની ભરૂચ પાસેથી ધરપકડ થઈ હતી ત્યારે અનેક લોકો આવા ચક્કરમાં ફસાયા હોવાની શંકા પણ એજન્સીઓને છે.
પોરબંદરમાંથી આજે ATSએ એક જાસૂસને ઝડપી લીધો હતો. પાકિસ્તાન માટે જાસૂસી કામ કરતા શખસને ઝડપી લેવામાં ATSને સફળતા મળી છે. અગાઉ પણ અનેક વખત પોરબંદરમાં રહીને પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી આપી રહેલા શખસો પકડાયા છે ત્યારે પોલીસસૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વધુ એકવાર પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડની ટીમે જતીન જિતેન્દ્ર ચારણિયા નામના જાસૂસને પકડી લીધો છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.