ગુજરાતમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં હાલમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈને હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલમાં ગુજરાત ઉપર શિયર ઝોન, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રફ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વિવિધ સિસ્ટમની અસરને પગલે જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના ભાગોમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જિલ્લામાં આજના દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ભારે વરસાદની શક્યતા છે. જો કે, વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળીયું વાતાવરણ છવાયું છે. પરંતુ તાપમાન પણ 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાથી શહેરીજનોને અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ Windy અનુસાર સાંજ પડતા જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવશે અને સાંજના છ વાગ્યા બાદ હળવો વરસાદ વરસી શકે છે. ત્યારબાદ રાતના આઠ વાગ્યાથી લઈને મધરાત સુધીમાં અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં સાંજના ચાર વાગ્યાથી જ વાદળો બંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *