ગુજરાતમાં પહેલીવાર બુલેટના સાઇલન્સર પર બુલડોઝર ફર્યું

ગુજરાતમાં દારૂ બાદ પ્રથમ વખત મોડિફાઇડ સાઇલન્સર પર રોડ રોલર ફરતું જોવા મળ્યું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 10 દિવસમાં વાયુ-પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાઇલન્સરવાળા 350 બુલેટ ડિટેઇન કરી એમાંથી સાઇલન્સર કાઢી આજે (23 જાન્યુઆરી) એનો નાશ કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા વાહનો ડિટેઇન કરી RTOનો મેમો આપવામાં આવતાં RTO દ્વારા લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કેટલીક જગ્યાએ શો રૂમની અંદર આ પ્રકારે મોડિફાઈડ સાઇલન્સર ફિટ કરવામાં આવતાં હોવાની ફરિયાદ છે, જેની સામે RTO દ્વારા ચેકિંગ કરવું જરૂરી બન્યું છે. જો આ મુજબ ચેકિંગ થાય અને મોડિફાઈડ સાઇલન્સર વેચાણ થતાં હોવાનું મળી આવે તો તેમના વિરુદ્ધ RTO કાર્યવાહી કરી તેમનું TC સસ્પેન્ડ કરી શકે છે.

રાજકોટ શહેર ટ્રાફિક ડીસીપી પૂજા યાદવએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની સૂચના મુજબ રાજકોટમાં માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન છેલ્લા 10 દિવસથી ખાસ વાયુ-પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાઇલન્સરવાળાં વાહનો સામે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાઈ હતી. પોલીસ દ્વારા આવાં બુલેટ તેમજ બાઈક ડિટેઇન કરી મેમો આપી તેમના મોડિફાઈડ સાઇલન્સર કાઢી દેવામાં આવ્યાં છે. 10 દિવસમાં 350 જેટલાં મોડિફાઇડ સાઇલન્સર મળી આવતાં RTO અને શોરૂમના સર્ટિફિકેટ મેળવી કોર્ટના ઓર્ડર મેળવ્યો હતો. એની સાથે આજે પોલીસ દ્વારા આ તમામ મોડિફાઇડ સાઇલન્સર ઉપર રોડ રોલર ફેરવી એનો નાશ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *