યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો સામે દેશભરમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. યુપી, નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સવર્ણોના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. હવે ગુજરાતમાં પણ નવા નિયમો સામે વિરોધના પડઘમ સંભળાવવા લાગ્યા છે. સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદન પાઠવી નિયમોના અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી છે. જ્યારે મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા નવા નિયમોને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવી તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી કરવામાં આવી છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ગઈ 13 જાન્યુઆરીના રોજ નવા નિયમોને નોટિફાઈ કર્યા હતા. જે અંતર્ગત કોલેજ-યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે વિશેષ સમિતિઓ બનાવવાના નિર્દેશન આપવામાં આવ્યા હતા. જેમાં સમિતિ ખાસ રીતે SC, ST અને OBC સ્ટુડન્ટની ફરિયાદો સાંભળશે. આ વ્યવસ્થા જનરલ કેટેગરીના સ્ટુડન્ટ વિરોધી હોવાનું કહીને વિરોધ શરૂ થયો છે.
સુરત શહેરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા લાગુ કરવામાં આવેલા નવા કાયદા સામે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને આ કાયદાને ‘કાળો કાયદો’ ગણાવી રદ કરવાની માગ કરી હતી.
બ્રહ્મ સમાજે રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપ કલેક્ટરને પાઠવ્યું પ્રદર્શનકારીઓના જણાવ્યા અનુસાર, આ નવો કાયદો સવર્ણ સમાજના બાળકોના ભવિષ્ય અને તેમની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કરે છે. આ બાબતે બ્રહ્મ સમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું, જેમાં સવર્ણ વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયને રોકવા માટે કાયદામાં તાત્કાલિક સુધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે.