ગાંધીનગર ચિલોડા પોલીસે ચંદ્રાલા ગામની સીમ પાસે આવેલી આગમન હોટલની સામે નેશનલ હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન બે શંકાસ્પદને પક્ડયા છે. હિંમતનગર તરફથી આવતી એક ખાનગી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા બે શંકાસ્પદ શખ્સ પાસેથી પોલીસે ગેરકાયદેસર એક પિસ્તોલ, એક દેશી તમંચો અને 10 નંગ કારતૂસનો જથ્થો સહિત 54 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં મળતી માહિતી મુજબ જે બસ કાનપુરથી અમદાવાદ આવી રહી હતી.
દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સંવેદનશીલ પરિસ્થિતિના પગલે, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જિલ્લાના તમામ પ્રવેશ અને નાકા પોઇન્ટ્સ પર સઘન વાહન ચેકિંગ અને કડક બંદોબસ્તના આદેશો આપ્યા હતા. આ આદેશોના અનુસંધાને ચિલોડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચંદ્રાલા નાકા પોઇન્ટ પર વાહન ચેકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી.
બે વ્યક્તિ પર શંકા, કાનપુરથી અમદાવાદ બસ આવતી’તી આ ચેકિંગ દરમિયાન હિંમતનગર તરફથી અમદાવાદ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ (નંબર GJ 18H 6100)ને રોકવામાં આવી હતી, જે કાનપુરથી અમદાવાદ જતી હતી. પોલીસે બસમાં સવાર મુસાફરોની તલાશી લેતા પાછળની સ્લીપિંગ સીટ પર બેઠેલા બે શખસની વર્તણૂક શંકાસ્પદ જણાતાં તેમની બેગની તપાસ કરી હતી.