ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં નવી અને ફેમિલી કોર્ટ બિલ્ડિંગ વચ્ચે 8 કિ.મી.નું અંતર

રાજકોટમાં રૂ.110 કરોડના ખર્ચે દેશની પ્રથમ સૌથી અત્યાધુનિક કહી શકાય તેવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બનાવવામાં આવી છે ત્યારે રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગમાં ગત જાન્યુઆરી-2024માં તમામ કોર્ટને ટ્રાન્સફર કરી દેવાઇ હોય અને ફેમિલી કોર્ટ જૂની કલેક્ટર કચેરી ખાતે જ કાર્યરત રાખવામાં આવી હોય તેના કારણે પક્ષકારો અને વકીલોને ભારે હેરાન-પરેશાન થવું પડતું હોવાની રજૂઆત રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને સિનિયર ધારાશાસ્ત્રી લલિતસિંહ શાહીએ વડાપ્રધાન તથા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, નવી કોર્ટ બિલ્ડિંગ અને ફેમિલી કોર્ટ વચ્ચે 8 કિ.મી.નું અંતર છે અને એક જ પક્ષકારોના બન્ને કોર્ટમાં કેસ ચાલતા હોય અને એક જ તારીખ મળી હોય ત્યારે પક્ષકારો અને તેમના વકીલોને ભારે દોડાદોડી થઇ પડતી હોય છે.

લગ્ન વિષયક અંગેના કેસો નવી બિલ્ડિંગ તથા ફેમિલી કોર્ટમાં ચાલતા હોવાને કારણે વકીલો અને પક્ષકારોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે અને ઘણીવખત એવું બને છે કે, એક જ દિવસે પક્ષકારોને ભરણપોષણનો કેસ અને ફોજદારી કેસ બન્ને જુદી-જુદી અદાલતોમાં એક જ તારીખે મુકરર કરેલ હોવાને કારણે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. જેથી ન્યાયિક પ્રક્રિયામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ફેમિલી કોર્ટમાં સેટઅપ મુજબ એક પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક થયેલ ન હોય જેના કારણે ન્યાય આપવામાં વિલંબ થાય છે, પરંતુ ફેમિલી કોર્ટમાં મુખ્ય પ્રિસાઇડિંગ ઓફિસરને પંદર દિવસ ગોંડલ તથા જસદણ મુકામે તેમજ ફેમિલી કોર્ટના બીજા ન્યાયાધીશને પંદર દિવસ જેતપુર અને ધોરાજી ફરજ બજાવવા માટે જવાનું થતું હોય છે. આ સમગ્ર હકીકતોને લક્ષમાં લેવામાં આવે મહિલાઓને ત્વરિત ન્યાય કેવી રીતે મળી શકે?

ગુજરાત રાજ્યની અન્ય અદાલતોમાં મુખ્ય બિલ્ડિંગમાં ફેમિલી કોર્ટની વ્યવસ્થા છે. જેના કારણે એડવોકેટ અને પક્ષકારોને હેરાનગતિનો ભોગ બનવું ન પડે. રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગમાં વિશાળ જગ્યા આવેલી છે. જે બિલ્ડિંગની અંદર કે બિલ્ડિંગની બાજુમાં સરકારની જગ્યા આવેલી છે તેમાં ફેમિલી કોર્ટના નવા બિલ્ડિંગની કાર્યવાહી કરી એડવોકેટ અને પક્ષકારોને ઝડપી અને ત્વરિત ન્યાય મળે તે માટેનું શુભ આયોજન સરકાર દ્વારા કરવામાં આવે તે ખૂબ જ જરૂરી હોવાનું અંતમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *