ગુજરાત ટાઇટન્સે IPL-2026માં પોતાની પ્રથમ જીત મેળવી છે. બુધવારે રમાયેલી રોમાંચક મેચમાં ટીમે દિલ્હી કેપિટલ્સને એક રનથી હરાવ્યું હતું. આ સાથે જ દિલ્હીને આ સીઝનમાં પહેલી હારનો સામનો કરવો પડ્યો છે.
અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. ગુજરાતે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 210 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 209 રન જ બનાવી શકી હતી.
ગુજરાત તરફથી રાશિદ ખાને શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને એક-એક સફળતા મળી હતી. દિલ્હી તરફથી કેપ્ટન કેએલ રાહુલે 92 રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. છેલ્લે ડેવિડ મિલરે 20 બોલમાં નોટઆઉટ 41 રનની લડાયક ઇનિંગ રમી હતી.
ગુજરાતની ઇનિંગમાં કેપ્ટન શુભમન ગિલે 45 બોલમાં 70 રન, જોસ બટલરે 27 બોલમાં 52 રન અને વોશિંગ્ટન સુંદરે 32 બોલમાં 55 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી મુકેશ કુમારે બે વિકેટ જ્યારે લુંગી એન્ગિડી અને કુલદીપ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.