આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 સહિત કુલ 11 રાજ્યની 93 બેઠક પર મતદાન થશે. આ સાથે આજે કુલ 543 સીટમાંથી 283 સીટ પર મતદાન પૂર્ણ થઈ જશે. એટલે કે લોકસભા ચૂંટણીની અડધી સફર પૂર્ણ થશે. આ સાથે ગુજરાત સહિત 19 રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન સંપન્ન થશે. ત્રીજા તબક્કામાં કુલ 11 કરોડ મતદારો 1,331 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. લોકસભાની ચૂંટણીમાં શરૂઆતના બે તબક્કામાં 2019ની તુલનામાં 3થી 4 ટકા ઓછું મતદાન થયું હતું. આશા છે કે ત્રીજા તબક્કામાં આ ટ્રેન્ડ બદલાશે. જો કે આજે ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો રહેવાની શક્યતા છે. ગુજરાતમાં 40 ડિગ્રીથી વધુ ગરમીની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે.
2019 અને 2014માં ગુજરાતની તમામ 26 સીટ ભાજપે જીતી હતી. એમપીની જે 9 સીટ પર વોટિંગ થશે એ પણ ભાજપ પાસે છે. બિહારની તમામ 5, છત્તીસગઢની 7માંથી 6, યુપીની 10માંથી 8 સીટ 2019માં ભાજપે જીતી હતી. આસામમાં 4માંથી 3 સીટ NDAના ખાતામાં છે.