ગુજરાતની આઠ સ્ટેટ યુનિવર્સિટી સાથે સંકળાયેલી રાજકોટની એ.એમ.પી. ગવર્મેન્ટ લો કોલેજ તથા 17 ગ્રાન્ટ ઇન એઇડ લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઇન્સ્પેકશન બાદ ઇન્સ્પેકશન ફી અને એડમિશન મુદ્દે હાઇકોર્ટમાં પહોંચેલા વિવાદનું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી ત્યારે આ વર્ષે પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા શરૂ થઇ જતા હવે હાઇકોર્ટના ચુકાદાની વાટ જોતા ગ્રાન્ટેડ કોલેજના સત્તામંડળો પણ નાસીપાસ થવા લાગ્યા છે અને છાનેખૂણે ગ્રાન્ટેડ લો કોલેજોને બંધ કરવા અથવા તો સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં કન્વર્ટ કરવાની દિશામાં કવાયત આદરી છે ત્યારે ગ્રાન્ટેડ કોલેજોના આ પગલાંથી ગરીબ વિદ્યાર્થીઓ પાસેથી કાયદાનો અભ્યાસ કરવાની તક છીનવાશે તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે. આમ છતાં રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે શંકાસ્પદ ઉદાસીનતા દાખવતા આગામી દિવસોમાં કાયદાનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓએ નાછૂટકે ખાનગી કોલેજોના શરણે જઇ તગડી ફી ભરવી પડશે તેમાં બેમત નથી.
વિવિધ યુનિવર્સિટી હેઠળ આવતી 19 ગ્રાન્ટેડ લો કોલેજો દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી રાજ્ય સરકાર દ્વારા જરૂરી સ્ટાફ ફાળવવામાં આવે અને બીસીઆઇ દ્વારા કોલેજોનું ઇન્સ્પેકશન કરી એડમિશનની મંજૂરી આપવામાં આવે તેવી દાદ માગવામાં આવી હતી. જેના પગલે હાઇકોર્ટના આદેશ બાદ ગુજરાતમાં કુલ 17 ગ્રાન્ટેડ અને 2 સરકારી લો કોલેજોમાં ગત જુલાઇ માસમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કોલેજોમાં વર્ગખંડની સાઇઝ, લાઇબ્રેરી, 2010થી બાકી ઇન્સ્પેકશન ફી સહિતની અનેક ક્વેરીઓ કોલેજની કાઢી તેનો રિપોર્ટ હાઇકોર્ટમાં સબમિટ કર્યો હતો. જેની સુનાવણી ગત જુલાઇ માસથી ચાલી રહી છે.