ગુંદાસરામાં ચેકડેમમાં સરસ્વતિની પ્રતિમા વિસર્જન કરવા જતાં બે યુવાન ડૂબ્યા

ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે સરસ્વતી માતાની મુર્તિના વિસર્જન વેળાએ ચેકડેમમાં બે પરપ્રાંતિય શ્રમિકો ડુબી જતા તેમનું મોત નિપજ્યું હતું. દરમિયાન જ્યા ખુશીનો માહોલ હતો તે આ ઘટના બાદ માતમમાં ફેરવાઈ ગયો હતો.

ગુંદાસસરામાં પરપ્રાંતિય શ્રમિકો દ્વારા ગઈકાલ વસંત પંચમીના રોજ સુપ્રીમ કાસ્ટ નામની ફેકટરીમાં સરસ્વતી માતાની મૂર્તિનું સ્થાપન કરાયા બાદ આજે સાંજે વિસર્જન કરવાનું હોય 12 થી 15 લોકો ગાજતે વાજતે મુર્તિ લઇ ગામ નજીકના ચેકડેમમા મૂર્તિ પધરાવવા પહોંચ્યા હતા.બધા ડેમના પાણીમાં ઉતરી મૂર્તિ વિસર્જન કરી રહ્યા હતા.તે દરમિયાન અમનકુમાર ગૌતમ રાય ઉ.23 રહે.સીમરીયા જી.જાગલપુર બિહાર તથા કુમાર ગૌરવ સુભાષ માલાહર ઉ.20 રહે.દરીયાપુર જી.જાગલપુર ઉંડા પાણીમાં આગળ જતા ડુબવા લાગ્યા હતા. બન્નેનો બચાવ થાય તે પહેલા ઉંડા પાણીમાં તેઓ ગરકાવ થઈ જતા બન્નેના મોત નિપજ્યા હતા. ઘટનાથી વિસર્જન માટે આવેલા લોકો અવાચક થઇ ગયા હતા. બનાવની જાણ થતા ફેકટરીના માલીક અને ગામલોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તે પછી તેમણે ગોંડલ ફાયર બ્રિગેડ તથા પોલીસને જાણ કરી હતી.ત્યારબાદ ગુંદાસરા પહોંચેલી ફાયર ટીમે ચેકડેમમાંથી બન્ને યુવાનના મૃતદેહ બહાર કાઢી શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. મૃતક યુવાનો પૈકી અમન કુમાર અપરિણીત હતો.જ્યારે કુમાર ગૌરવ પરિણીત હતો અને તેને સંતાનમાં 6 માસનો દિકરો હોવાનું જાણવા મળ્યું છે. આ બન્ને યુવાન મુળ બિહારના હતા અને 6 માસથી સુપ્રીમ કાસ્ટ ફેકટરીમાં કામ કરતા હતા. બનાવ અંગે તાલુકા પીએસઆઇ સોલંકીએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *