ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારો અને હાઈવે પર સિંહની અવરજવર સામાન્ય બની છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પંથકમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા 10 સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગીર ગઢડાના હરમડીયા-અરીઠીયા રોડ પરથી રાત્રિના સમયે સિંહ પરિવાર નીકળતા અહીંથી પસાર થતા વાહનોના પૈડાં થંભી ગયા હતા. વાહનચાલકોએ મોબાઈલમાં કેદ કરેલો સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા વિસ્તારમાં એક અનોખો નજારો જોવા મળ્યો છે. હરમડીયા-અરીઠીયા રોડ પર રાત્રિના સમયે 10 સિંહનું ટોળું નીકળી આવ્યું હતું. આ ટોળામાં સિંહણો અને તેમની સાથે મોટા થયેલા સિંહ બાળકોનો સમાવેશ થાય છે.સિંહોનું આ ટોળું રોડ પર આવતાં વાહનવ્યવહાર થંભી ગયો હતો. એક વાહનચાલકે આ અદભુત દૃશ્યને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યું હતું. સિંહ પરિવારની આ લટાર દરમિયાન રોડ પર ટ્રાફિક જામ થયો હતો. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.