પાટનગર ગાંધીનગરમાં વ્યસ્ત ગણાતા ગ-2 સર્કલ પાસે જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટના પાછળ અંગત અદાવત અને ખાસ કરીને નાણાકીય લેતીદેતી કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિને પેટના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સમગ્ર વિવાદ પૈસાની ઉઘરાણીને લઈને શરૂ થયો હતો. આ ઘટનામાં એક પત્રકારને ઈજાગ્રસ્ત વ્યક્તિ પાસેથી અમુક રકમ લેવાની નીકળતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ નાણાં વસૂલવા માટે પત્રકાર પોતાની સાથે ઉનાવા ગામના એક શખસને લઈને ગ-2 સર્કલ પાસે પહોંચ્યા હતા.
જ્યાં બંને પક્ષો વચ્ચે સામસામે શાબ્દિક બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાટમાં આવીને પત્રકાર પક્ષ તરફથી રિવોલ્વર કે પિસ્તોલ જેવા હથિયાર વડે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી એક ગોળી સામે પક્ષની વ્યક્તિના પેટમાં વાગી હતી, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો.
આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા , ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુના વાળી જગ્યાને કોર્ડન કરી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે પાટનગરના જાહેર માર્ગ પર દિવસે-દહાડે થયેલા આ ગોળીબારથી સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.