રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના એક શખ્સે પરિણીત મહિલાને મેસેજ કરી વિડીયો કોલ કરી તેમજ બાઇક લઇ પાછળ જઇ મારી સાથે ચાલુ થવું છે? તેવું પુછી સતત હેરાન કરતાં અને આ શખ્સના ભાઇએ પણ તું મારા ભાઇને ફોન કરજે નહિતર સારાવટ નહિ રહે તેમ કહી ધમકી આપતાં અને બંને ભાઇઓના પુત્રોએ પણ અવારનવાર ગાળો દઇ માથાકુટ કરતાં અંતે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. ગાંધીગ્રામ પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી અમિત કનૈયાલાલ રાવલ, તેના ભાઇ જીતુ કનૈયાલાલ રાવલ સહિત ચાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે હું પરિવાર સાથે રહું છે અને ત્રણ સંતાન છે. ગત દિવાળીના તહેવાર વખતે હું દિવ્યાબેન અમિતભાઇ રાવલના ઘરે સિવણ ક્લાસમાં જતી હતી. ત્યારે તેના પરિવાર સાથે પરિચય થયો હતો. ત્યારબાદથી દિવ્યાબેનના પતિએ ફોન અને મેસેજ તેમજ વિડીયો કોલ કરી હેરાનગતિ કરે છે. એટલું જ નહીં પતિ સાથે વાત કર્યા બાદ સમાધાન થયા પછી પણ હેરાન કરતા હોય પોલીસમાં અરજી કરી હતી. આ છતાં આરોપીએ તેના ભાઈ સહિતનાઓ સાથે મળીને હેરાનગતિ કરવાનું ચાલુ રાખતા કંટાળીને પોતે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.