રાજકોટ શહેરમાં માદક પદાર્થના વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા રૂખડિયાપરામાં રહેતા કિશન સુરેશભાઈ નાયડુને PIT-NDPS એક્ટ હેઠળ અટકાયતમાં લઈને સુરતની લાજપોર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
શહેર એસઓજીની ટીમે અગાઉ પાડેલા દરોડા દરમિયાન રૂખડિયાપરા વિસ્તારના સુલભ સૌચાલય પાસે ખોડિયાર માતાજીના મંદિર નજીક જાહેરમાંથી કુલ રૂ.1,62,980ની કિંમતનો 16.289 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અભય ઉર્ફે અભલો ભુરાભાઈ અદાણી, અસલમ ઉર્ફે સર્કિટ બસીરભાઈ શેખ, કિશન સુરેશભાઈ નાયડુ તથા કરણ મોહનભાઈ અઠવલેને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસને આરોપીઓ પાસેથી ગાંજાના જથ્થા સાથે બે મોબાઈલ મળી કુલ રૂ.1,72,980 નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.
આ કેસના અનુસંધાને ગેરકાયદેસર માદક પદાર્થના વેપાર અને હેરાફેરી પર અંકુશ મૂકવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજાની ટીમે કિશન નાયડુ સામે PIT-NDPS એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી. સીઆઈડી ક્રાઈમના વડાની મંજૂરી મળ્યા બાદ આરોપીની અટકાયત કરી વોરંટની બજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ કિશન નાયડુને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.