રાજકોટ મહાનગરપાલિકામાં નવા નાણાકીય વર્ષના બજેટની તૈયારીઓ વચ્ચે ગત વર્ષના બજેટના કામોની સ્થિતિ અત્યંત દયનીય જોવા મળી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમિન ઠાકરે લાંબા સમય બાદ ગત બજેટમાં સૂચવાયેલી યોજનાઓ કયા તબક્કે પહોંચી છે, તેનું સ્ટેટસ જાણવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ શાખાઓના અધિકારીઓ અને ચારેય ડે. કમિશનરોની હાજરીમાં એક મહત્વપૂર્ણ બજેટ રિવ્યૂ બેઠક યોજી હતી.
રિવ્યુ બેઠક બાદ પણ ઘણા કામો બાકી રહેવાની શક્યતા આ બેઠક દરમિયાન વિકાસ કામોની મંદ ગતિ જોઈને ચેરમેને અધિકારીઓનો ઉધડો લીધો હતો અને બાકી રહેલી યોજનાઓ બાબતે કડક વલણ અપનાવ્યું હતું. બાકી રહેલા કામો અંગે અધિકારીઓનાં કલાસ લઈ તમામ કામો સત્વરે પુરા કરવા અને વિલંબ માટે ખુલાસો આપવા આદેશો આપ્યા હતા. જોકે, નવા બજેટને માત્ર એકાદ મહિનાનો સમય બાકી છે ત્યારે આ રિવ્યુ બેઠક બાદ પણ ઘણા કામો બાકી રહેવાની શક્યતા છે.
જુના કામોનો હિસાબ માંગવા તમામ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી રાજકોટ મહાપાલિકાના વર્ષ 2025-26ના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સૂચવવામાં આવેલી રૂ. 55.92 કરોડની 20 યોજનાઓમાંથી હજુ રૂ. 46.10 કરોડની 10 જેટલી યોજનાઓમાં તો કામની ઈંટ પણ મૂકવામાં આવી નથી, જે તંત્રની ગંભીર બેદરકારી સૂચવે છે. આ પ્રોજેક્ટ્સમાં સ્માર્ટ સિટી અંતર્ગત સૂચવાયેલા કામો, બગીચાઓનું નવીનીકરણ અને લાઈટિંગના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. જોકે, આ પૈકી અમુક પ્રોજેકટ ટેન્ડર પ્રક્રિયામાં છે. ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન જયમિન ઠાકરે જુના કામોનો હિસાબ માંગવા તમામ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વહીવટી તંત્ર દ્વારા નવી યોજનાઓના આયોજનો થઈ રહ્યા છે, પરંતુ જૂની યોજનાઓના ટેન્ડરિંગ અને અમલમાં થતા વિલંબને કારણે જનતામાં પણ નારાજગી જોવા મળી રહી છે.